Dakshin Gujarat

યુવકે મહિલા સરપંચનું ગળું પકડી લીધું, પતિ બચાવવા પડ્યો તો તેની સાથે પણ કરી મારામારી

બારડોલી : બારડોલીના (Bardoli) નસુરા ગામની સરપંચ અને તેના પતિ સાથે વીજપોલ (Electric Pole) ખસેડવા બાબતે ફળિયામાં રહેતા યુવકે ગળું પકડી લઈ મારામારી (Fight) કરતાં મામલો પોલીસમથકે (Police Station) પહોંચ્યો હતો. બારડોલી તાલુકાના નસુરા ગામે ટેકરા ફળિયામાં રહેતાં પૂજાબેન રાઠોડ (ઉં.વ.35) નસુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે.

  • નસુરા ગામે યુવરે રોષે ભરાઈને મહિલા સરપંચનું ગળું દબાવ્યું
  • મહિલા સરપંચના પતિ બચાવવા જતા યુવકે તેની સાથે પણ મારામારી કરી
  • માહિતી પ્રમાણે નમી પડેલા વીજપોલ હટાવવાની બાબતે મહિલા સરપંચ સાથે કરી મારામારી
  • ‘નમી પડેલો વીજપોલ કેમ કઢાવતા નથી’ કહી બળવંત રાઠોડે મારામારી કરી

ગત 5મી જૂનના રોજ રાત્રે 9 વાગ્યે ઘરે હાજર હતા. એ સમયે ફળિયામાં જ રહેતો બળવંત મોહન રાઠોડ તેમના ઘરે આવ્યો હતો અને “મારા ઘર આગળ જે વીજપોલ આવેલો છે તે તૂટીને મારા ઘર પર પડે તેમ છે. તો તમે આ વીજપોલ કેમ કઢાવતા નથી?” એમ કહી સરપંચ પૂજાબેન સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. દરમિયાન તેણીના પતિ જીતુ દીપક રાઠોડ ત્યાં આવી જતાં તેમણે વીજપોલ ખસેડવા બાબતે કડોદ વીજ કંપનીની ઓફિસમાં તેમજ બારડોલી તાલુકા પંચાયતમાં અરજી આપી હોય ત્યાંથી કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

તેમ છતાં બળવંત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સરપંચ પૂજાબેનને ગળામાં પકડી લીધા હતા. આ દરમિયાન પતિ જીતુભાઈ છોડાવવા જતાં તેનું પણ ગળું પકડી બે થપ્પડ મારી દીધી હતી. લડાઈ વધુ ઉગ્ર બને એ પહેલા ફળિયાના લોકો દોડી આવતા બળવંત ત્યાંથી જતો રહ્યો હતો અને જતાં જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી સરપંચ પૂજાબેને બારડોલી પોલીસ ગ્રામ્ય મથકમાં બળવંત વિરુદ્ધ ફરિયાદ કરતાં તપાસકર્તા હેડ કોન્સ્ટેબલ રાકેશ વસાવાએ ગુનો નોંધી બળવંતની ધરપકડ કરી હતી.

સોનગઢના સાઇડુનમાં બે બાઇક અથડાતાં બંને ચાલકનાં મોત, પાછળ બેસેલા બે ઘવાયાં
વ્યારા: સોનગઢના સાદડુન ગામે ગત મોડી રાત્રે બે મોટરસાઇકલ સામસામે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બંને બાઇકચાલક ૨૦ વર્ષીય દિનેશ માવળી અને ડાંગના સુબીરના નિકુંજ પવારનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં સીબીઝેડ મોટરસાઇકલ પર સવાર એક યુવતી અને સ્પ્લેન્ડર પર સવાર એક યુવક ગંભીર રીતે ઘવાયાં હતાં. હાલ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રના સાંકરી તાલુકાના ખેરખુદા ગામનો ૨૦ વર્ષીય યુવક દિનેશ ફોટુ માવળી ગત તા.૬ જૂનની રાત્રિના લગભગ ૩ વાગ્યાના અરસામાં પોતાની મિત્ર અર્ચના ગુલાબ ગામીત (રહે.,મલંગદેવ, સોનગઢ) સાથે મોટરસાઇકલ નં.(જીજે ૫ ડીએન ૯૮૧૭) પર સાદડુનથી મહારાષ્ટ્રના ખેરખુદા ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે મલંગદેવથી ઓટા તરફ જતાં રસ્તામાં સાદડુન ગામની દૂધડેરી પાસે તેની મોટરસાઇકલ સામેથી આવતી જીજે ૩૦ સી ૯૫૭૧ નંબરની સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે ધડાકાભેર અથડાતાં બંને મોટરસાઇકલનો ભૂક્કો બોલાઇ ગયો હતો.

આ અસ્માતમાં સીબીઝેડના ચાલક દિનેશ માવળી અને સ્પ્લેન્ડર મોટરસાઇકલના ચાલક નિકુંજ ઇન્દુ પવાર (ઉં.વ.૨૩) (રહે.,સુબીર, ડાંગ)ને માથા તથા શરીરે ગંભીર ઈજા થતાં બંને બાઇકના ચાલકનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં સીબીઝેડની પાછળની સીટ પર બેસેલી યુવતી અર્ચના ગામીતને અને સ્પ્લેન્ડરની પાછળની સીટ પર સવાર અતુલ અર્જુન ડુંગરને ગંભીર ઇજા થતાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મરણ જનાર સ્પ્લેન્ડરનો ચાલક નિકુંજ પવાર તેના મિત્ર સાથે ઓટાથી સુબીર જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સ્પ્લેન્ડરના ચાલક નિકુંજ પવાર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top