National

નૂપુર શર્મા વિવાદ પછી ભાજપ સરકારે પ્રવક્તાઓ માટે લક્ષ્મણ રેખા ખેંચી

નવી દિલ્હી: નૂપુર શર્માએ (Nupur Sharma) મોહમ્મદ પયગંબર વિશે કરેલી ટિપ્પણીનો (Comment) વિવાદ દેશ વિદેશમાં ગાજી રહ્યો છે. આ માટે ભાજપ સરકારે (BJP Government) તેઓના પ્રવકતાઓ (Spokesperson) માટે લક્ષ્મણ રેખા ખેંચી છે. ભાજપે તેના પ્રવક્તાઓને ઉશ્કેરણીજનક નિવેદનો કરવાથી દૂર રહેવાની સૂચના આપી છે. પક્ષના નેતાઓ માને છે કે વિવાદાસ્પદ નિવેદનો કરવાથી પક્ષ અને સરકારના વિકાસના મુદ્દાઓ પર ગંભીર અસર થતી જોવા મળે છે. જણાવી દઈએ કે મોહમ્મદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભાજપે તેના બે પ્રવક્તાઓ વિરુદ્ઘ કાર્યવાહી હાથ ધરી છે.

  • ભાજપે તેના પ્રવક્તાઓને ઉશ્કેરણીજનક નિવેદનો કરવાથી દૂર રહેવાની સૂચના આપી છે
  • પાર્ટીનું માનવું છે કે આવા નિવેદનોથી સરકારના વિકાસના મુદ્દાને અસર થાય છે

રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને તેમજ દિલ્હીના મીડિયા પ્રભારી નવીન કુમાર જિંદાલને ભાજપ સરકારે તેઓની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ એક વાવાઝોડાએ મોદી સરકારનાં આઠ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પર પાણી ફેરવી દીધું છે અને આ તમામ કાર્યક્રમો કેટલાક લોકોના વિવાદાસ્પદ નિવેદનોથી પ્રભાવિત છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોએ લોકોના કામ અને વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ કાર્યવાહી કરવી જરૂરી હતી કારણ કે તે તમામ નેતાઓ અને કાર્યકરોને સ્પષ્ટ સંદેશ આપશે કે તેઓએ વિવાદાસ્પદ ટીપ્પણીઓથી દૂર રહેવું અને સરકારના વિકાસના મુદ્દા પર જ વાત કરવી જોઈએ.

લક્ષ્મણ રેખા પ્રવક્તા માટે ખેંચાઈ
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પાર્ટીએ તમામ પ્રવક્તાઓને સાવચેતીપૂર્વક બોલવા અને પાર્ટીના સ્ટેન્ડની વિરુદ્ધમાં હોય તેવી કોઈપણ ટિપ્પણી ટાળવા કહ્યું છે. નાની-નાની વાતમાં ભડકતા નેતાઓ-પ્રવક્તાઓને હાલ પૂરતું મૌન જાળવવાનું કહેવામાં આવ્યું છે. ભાજપના નેતાઓને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેઓ હિંદુ-મુસ્લિમ મુદ્દાઓથી દૂર રહે અને જ્ઞાનવાપી પર કોઈ નિવેદન આપવાની જરૂર નથી. ભાજપના નેતાઓને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દાઓ પર ટિપ્પણી ન કરવા કહેવામાં આવ્યું છે. પ્રવકતાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ માત્ર દિલ્હી સાથે જોડાયેલા વિકાસના મુદ્દાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે અને તેના પર કોઈપણ ટિપ્પણી કરે તો સમજી વિચારીને કરે.

Most Popular

To Top