National

નૂપુર શર્માની મુશ્કેલી વધી: મુંબઈ પોલીસ ટૂંક સમયમાં સમન્સ જાહેર કરશે

મુંબઈઃ ભાજપના (BJP) પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના મુહમ્મદ પયગંબર પર ટીવી ડિબેટમાં (TV Debate) કરેલી ટિપ્પણી પછી થયેલા વિવાદોએ જોર પકડયું છે. વિવાદ થતા ભાજપે નૂપુર શર્માને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ (Suspended) કરી દીધા છે. નૂપુર શર્મા વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. મુંબઈ (Mumbai) પોલીસ કમિશનર (Police Commissioner) સંજય પાંડેએ જણાવ્યું હતું કે જ્ઞાનવાપી મુદ્દે ટીવી ડિબેટ દરમિયાન મુહમ્મદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરવા મુદ્દે નૂપુર શર્માને પૂછપરછ માટે જલદી સમન્સ મોકલવામાં આવશે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવશે તેમજ આ કેસમાં જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ કહ્યું હતું કે એફઆઈઆર નોંધાયા પછીની તમામ કાર્યવાહી કરવામાં આવશે. એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ મુહમ્મદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ મુંબઈ પોલીસે આઈપીસીની કલમ 295A હેઠળ કેસ દાખલ કર્યો હતો. તેના પર ધાર્મિક વૈમનસ્યને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સિવાય બે સમૂહો વચ્ચે દુશ્મની વધારવાના આરોપોમાં સેક્શન 153A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાએ વિદેશમાં પણ જોર પકડયું છે. સાઉદી અરબ, કુવૈત, યૂએઈ, બહરીન સહિત અન્ય ઇસ્લામિક દેશોમાં પણ આ ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે. આ મામલે ટ્વીટ કરનાર નવીન જિંદલને પણ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે.

10 જૂને બરેલી સહિત અન્ય શહેરોમાં યોજાશે વિરોધ પ્રદર્શન
નુપુર શર્મા દ્વારા મુહમ્મદ પયગંબર વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી પછી ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા છે તેમજ જરૂરી તમામ કાર્યવાહી તેમની વિરુદ્ઘ કરવામાં આવી રહી છે તેમ છતાં મામલો અટકવાનું નામ લેતો નથી. ઇત્તેહાદે મિલ્લત કાઉન્સિલના વડા મૌલાના તૌકીર રઝા ખાને જાહેરાત કરી છે કે 10 જૂને બરેલી સહિત અન્ય શહેરોમાં યોજાનાર વિરોધ પ્રદર્શનને મોકૂફ રાખવામાં આવશે નહીં. ઉલેમાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમવારે બરેલીમાં મૌલાના તૌકીર રઝા ખાનની અધ્યક્ષતામાં યોજાયેલી ઉલેમા અને દાનિશવરની બેઠક અંગે IMCના મીડિયા પ્રભારી મુનીર ઈદ્રિસીએ જણાવ્યું કે, બેઠકમાં નૂપુર શર્માના સસ્પેન્શનને આવકારવામાં આવ્યું આવ્યું હતું. મીટિંગમાં એવો અભિપ્રાય હતો કે બરેલીમાં આશિક-એ-રસૂલની મરકઝ (કેન્દ્ર) છે, તેથી મંગળવારે IMCનું એક પ્રતિનિધિમંડળ અધિકારીઓને મળશે અને બરેલીમાં નૂપુર શર્મા વિરુદ્ધ કેસ દાખલ કરશે. બીજેપી સરકાર ઉપર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે જો સરકાર ટ્રાયલના આધારે નૂપુર પર કાર્યવાહી નહીં કરે તો એવું માનવામાં આવશે કે ભાજપ નુપુર શર્માને અંદરથી સમર્થન અને સહકાર આપી રહી છે. 

Most Popular

To Top