વિવિધ દેવો પાસે દિવ્ય અસ્ત્રો અને શસ્ત્રો હોય છે તેવું આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં કથન છે. વેદોમાં પણ આવાં અસ્ત્ર-શસ્ત્રના મંત્રો છે. વાલ્મીકિ રામાયણના બાલકાંડમાં વિશ્વામિત્ર ઋષિ રામને દિવ્ય અસ્ત્રો શીખવે છે. આ બધાં શસ્ત્ર અને અસ્ત્ર મંત્ર મેળવવા માટે ધારણ કરવાનાં હોય છે. આથી આ અસ્ત્ર-શસ્ત્રને સાથે લઈને ફરવા પડતાં નથી. પરંતુ મંત્રના અનુષ્ઠાન દ્વારા જે તે અસ્ત્ર-શસ્ત્ર સિદ્ધ થાય છે. ઋગ્વેદનો જાતવેદસે સુનવામ સોમ..! અગ્નિનો મંત્ર આગ્નેયાસ્ત્ર તરીકે જાણીતો છે. મહાભારતમાં અર્જુન હિમાલયના ઈન્દ્રકિલ પર્વત પર જઈને ઉગ્ર તપશ્ચર્યા કરીને ભગવાન શિવ પાસેથી પાશુપતાસ્ત્ર નામનું દિવ્ય અસ્ત્ર પામ્યો હતો એવી કથા છે.
મહાકવિ ભારવીએ આ કથા પરથી ‘‘કિરાતાર્જુનીય’’ નામનું મહાકાવ્ય લખ્યું છે. વિશ્વામિત્રે ભગવાન રામને જૃંભકાસ્ત્ર નામના દિવ્ય અસ્ત્રોના મંત્રો આપ્યા હતા. જૃંભકાસ્ત્રોની પ્રાપ્તિ વિશ્વામિત્ર ઋષિને ઘણો લાંબો સમય તપ કર્યા પછી થઈ હતી. આ બધા દેવોનાં અસ્ત્રો અમોઘ હોય છે. તે ક્યારેય નિષ્ફળ જતાં નથી. શારદાતિલક તંત્રમાં વીસમા પટલમાં પાશુપત અસ્ત્રમાં મંત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તંત્રની ભાષા ગૂઢ હોય છે. આથી સીધી રીતે મંત્રો સમજાઈ જતાં નથી, જેમકે પાશુપત મંત્ર માટે નીચેના શ્લોકો છે.
તારો વાન્તો ધરાસંસ્થો વામનેત્રેન્દ્રુભૂષિત:
પાર્સ્વો વક: કર્ણયુતો વર્માસ્ત્રાન્ત: પડકાર:
મનુ: પાશુપતાસ્ત્રાષ્યો ગ્રહક્ષુદ્રનિવારણ:
પડિ્ભર્વણૈ: ષડગાનિ હું ફડન્તે: સજાતિમિ
(શારદાતિલકતંન્ત્ર- 20-25, 26)
આ મંત્ર નીચે પ્રમાણે છે
ઓમ શ્રીલી પશુ: હું ફ્ટ આ રીતે આ મંત્ર છ અક્ષરનો છે અને ગ્રહોની પીડા ભૂતપ્રેતોનું શમન અને ક્ષુદ્ર રોગોનું નિવારણ આ મંત્ર દ્વારા થાય છે. આ મંત્રના દેવતા પશુપતિ છે. આ મંત્રના બ્રહ્મા ઋષિ છે. ગાયત્રી છંદ છે, શ્લીં બીજ છે, હું શક્તિ છે. તેમનો ધ્યાન મંત્ર નીચે પ્રમાણે છે.
મધ્યાહનાક્રસમપ્રબં શશિધર- ભીમાટ્ટહાસો જ્જવલે
ત્ર્યક્ષં પન્નગભૂષણ શિખિ શિખાશ્મશ્રુસ્કુરન્મૂર્ધજમ્
હસ્તાન્જૈસ્ગિશિખં સમુદ્રરમસિં શક્તિ ધ્યાને વિભું
દૃષ્ટાભીમચતુર્મુખ પશુપતિ દિવ્યાસ્ત્રજ્ઞં સ્મરેતુ
(શારદાતિલકતન્ત્ર 20-27)
ભગવાન પશુપતિ મધ્યાહ્નકાલીન સૂર્ય જેવા કાંતિવાળા છે. તેઓએ મસ્તક પર ચંદ્રમાને ધારણ કર્યો છે. તેઓ ભયંકર અટ્ટહાસ્યથી શોભી રહ્યા છે. તેમને ત્રણ નેત્રો છે. શરીર પર સર્પોનાં આભૂષણ શોભે છે. તેમના કપાળની અગ્નિજ્વાળાઓથી તેમની દાઢી અને વાળ ચમકી રહ્યાં છે. તેમના હસ્તકમળમાં ત્રિશૂળ મુદગર (હથોડો અથવા ગદા), તલવાર અને શક્તિ નામનું આયુધ ધારણ કરેલ છે. તેમને ચાર મુખ છે. તેમની દાઢ અત્યંત ભયંકર છે. આવા દિવ્ય રૂપવાળા સર્વવ્યાપક પશુપતિનું દિવ્ય અસ્ત્રરૂપે ધ્યાન ધરવું જોઈએ. આ મંત્રના છ લાખ જપ કરવા અને ગાયના ઘી થી દશાંશ હોમ કરવો. આ મંત્ર દ્વારા અભિમંત્રિત કરેલું બાણ જો રાજા યુદ્ધના સ્થળે છોડે તો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. આ રીતે પાશુપતાસ્ત્ર મંત્ર સર્વ પ્રકારની પીડાઓ, રોગો અને શત્રુઓ પર વિજય અપાવીને શિવના ઉપાસકને સર્વત્ર વિજયી અને નિર્ભય બનાવે છે. ભગવાન પશુપતિ જીવરૂપી પશુને મુક્તિ પણ આપે છે. આ મંત્રના છ અક્ષરોથી ન્યાસ કરવા.
‘પાશુપતાસ્ત્રમન્ત્ર’ નું આ લખનારના મતે એક અન્ય પ્રયોજન પણ છે. પશુભાવ એટલે જીવનો અજ્ઞાન ભાવ. માયાનાં અવરણોને લીધે જીવ સંસારમાં બંધાયેલો રહે છે અને શરીરના, મનનાં દુ:ખો અને પીડાઓને પોતાના માનીને દુ:ખ અનુભવે છે. પાશુપતાસ્ત્ર મન્ત્રથી જીવનો પશુભાવ નાશ પામે છે. તેને પોતે જ શિવ છે- સર્વત્ર- સર્વાત્મભાવે શિવ જ છે, શિવ અને જીવ અલગ નથી એવી અનુભૂતિ થાય છે. આ રીતે જીવને પોતાના પશુત્વથી છોડાવવા પણ ‘પાશુપતાસ્ત્રમન્ત્ર’ પ્રયોજવો જોઈએ, કેમકે પશુપતિની કૃપા વગર સંસારનાં બંધનો નાશ પામતાં નથી. પાશુપતાસ્ત્ર મન્ત્ર જીવને સત્, ચિત્ અને આનંદની પ્રાપ્તિ કરાવે છે.