Columns

પ્રિય સન્નારી

કેમ છો?
વેકેશનનો થાક ઊતરતાં જ સ્કૂલની તૈયારી ચાલુ થઇ ગઇ હશે… સ્કૂલ બેગ, બુકસ – કંપાસ, સ્ટેશનરી, લંચબોકસ, યુનિફોર્મ અને શૂઝ… સ્કૂલ શરૂ થતાં પહેલાં આ બધું ચેક કરી લેવું જેથી છેલ્લી ઘડીએ દોડધામ ન થાય. અગર તમે નવી સ્કૂલ બેગ વગેરે લેવાના છો તો અત્યારે જ કોઇ જરૂરતવાળાને જૂની આપી દો જેથી તેમનો ખર્ચ બચે. બીજી વસ્તુઓ પણ તમે આ રીતે ગરીબ બાળકને આપી શકો. આજની મોંઘવારીમાં અનેક પેરન્ટસ માટે વધારાના ખર્ચા મેનેજ કરવા મુશ્કેલ બને છે ત્યારે આપણી સમયસરની હેલ્પ એમને સ્ટ્રેસમાંથી બચાવી શકે. જો તમને જરૂર ન હોય તો જૂનાં પુસ્તકો -ગાઇડસ કે રેફરન્સ બુક અડધી કિંમતે વેચવાને બદલે ફ્રીમાં આપજો. જ્ઞાન-દાન એ સૌથી મોટું દાન છે. ધાર્મિક ક્રિયાકાંડમાં વાપરવાના પૈસા કોઇ બાળકને ભણાવવા માટે વાપરી શકાય તો બેસ્ટ…. આજે વસ્ત્ર, ભોજનની જરૂર ભગવાન કરતાં માણસને વધારે છે. સો… બી સેન્સીટીવ….

સન્નારીઓ, બીજી પણ અનેક બાબતો છે કે એમાં આપણે સંવેદનશીલ બનવાનું છે. જેમ કે પર્યાવરણ…. પર્યાવરણ દિને એકાદ – બે વૃક્ષારોપણ કરવાથી આપણી ફરજ પૂરી થતી નથી. આખી દુનિયાએ જે કરવું હોય તે કરે, દુનિયાની ચિંતા વિના આપણે આપણા લેવલે શું કરી શકીએ એ મહત્ત્વનું છે. એવા એરિયા પર નજર દોડાવો કે જયાં ઝાઝી એનર્જી વિના પણ પર્યાવરણને બચાવવામાં આપણું યોગદાન આપી શકીએ.

પહેલાં તો આપણી લાઇફ પર નજર કરીને શોધીએ કે આપણે કઇ રીતે પર્યાવરણને નુકસાન કરીએ છીએ. સ્ત્રીઓને સૌથી વધારે પનારો પાણી સાથે પડે છે. નળ છુટ્ટો મૂકીને કામ કરવાની મજા જ કંઇ ઓર છે પરંતુ હાઉસહોલ્ડ એક્ટિવિટીઝમાં સૌથી વધારે પાણીનો વપરાશ અને બગાડ થાય છે. લીકેજ નળ એ 80% ઘરોની સમસ્યા છે. બાઇઓને પાણી બગાડતા અટકાવવાની આપણી હિંમત નથી. નાનાં બચ્ચાંઓ શાવરમાં ન જાણે કેટલું નકામું પાણી વાપરી નાંખે છે પણ એની સામે આપણે ચૂપ છીએ. પાણીનો કરકસરપૂર્વકનો ઉપયોગ જવા દો માફકસરનો ઉપયોગ કરીએ તો પણ ઘણું છે. માનો કે તમારા ઘરમાં બે-ત્રણ બાળકો છે જો એને બાળપણથી ‘વોટર સેવીંગ’ના પાઠ ભણાવશો તો એ કયારેય પાણીનો બગાડ ન કરે, તમારા એકલાની બચતથી શું થશે? એવો વિચાર કરવાને બદલે તમારાથી અને તમારા પરિવારથી શરૂઆત કરો. અગર તમારામાં કન્વીસીંગ પાવર હોય તો એપાર્ટમેન્ટ, સોસાયટી, કિટી પાર્ટી વગેરેમાં સમજાવો. મે, બી ફરક પડી શકે.

સ્રીઓનાં જીવન સાથે જોડાયેલી બીજી વસ્તુ છે પ્લાસ્ટિક… પ્લાસ્ટિક હેલ્થને તો નુકસાન કરે જ છે પરંતુ તે નાશ કરી શકાય એવું નથી તેથી પર્યાવરણને પણ નુકસાન કરે છે. હજુય આપણે પ્લાસ્ટિકની  બેગનો આગ્રહ શાક-ફ્રૂટ કે દુકાનવાળા પાસે રાખીએ છીએ. કચરો ફેંકવા માટે બાયો ડીગ્રેડેબલ બેગનો ઉપયોગ કરતા નથી. પ્લાસ્ટિકનાં વાસણો (ડબ્બા-ડીશ) વગેરે છાશવારે આપણા ઘરમાં આવે છે. યૂઝ એન્ડ થ્રો પ્લાસ્ટિકનો ઉપયોગ દિન – પ્રતિદિન વધ્યો છે. એને બંધ કરીએ. એ માટે-

  • પર્સમાં કાપડની બેગ રાખીએ.
  • બહારથી પાણીની બોટલ, ટી-કપ વગેરે લેવાને બદલે પર્સમાં બોટલ અને નાનકડો કપ રાખીએ.
  • ઘરનાં વાસણોમાં કાચ, સ્ટીલ અને તાંબાનો વપરાશ વધારીએ.
  • યુઝ એન્ડ થ્રો વસ્તુઓ વાપરવાની સદંતર બંધ કરીએ.
  •   આ ઉપરાંત-
  • ઇલેક્ટ્રિસીટી બચાવીએ. ખોટા લાઇટ-પંખા – AC બાળનાર સામે કડક બનીએ.
  • ઘરની નીચે ઊતરતાં જ વાહનની આદતને બદલે નજીકમાં ચાલીને જઇએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. પેટ્રોલ બચી શકશે.
  • કારણ વિના હોર્ન ન વગાડીએ. મોબાઇલ, મ્યુઝિક સિસ્ટમ વગેરેમાં અવાજ ધીમો રાખીએ.
  • ખાસ તો નવી પેઢીને આ બધા માટે શિક્ષિત કરીએ. એટલીસ્ટ એક કદમ તો આગળ વધીએ.
  • અને હા, ઘરની આજુબાજુની જગ્યાને હરિયાળી બનાવીએ.
    – સંપાદક

Most Popular

To Top