તમન્ના ભાટિયાની રાહ હવે ફિલ્મોમાં જ જોવાની જરૂર નથી, તે વેબ સિરીઝમાં પણ કામ કરતી થઈ ગઈ છે. તેની ‘જી કરદા’ જોશો તો ખાત્રી થઈ જશે. તેમાં બાળપણની સાત સખીઓ પોતાના યુવાની પર નિયંત્રણનો પ્રયત્ન કરે છે. આ પહેલા પણ તે ‘ઈલેવન્થ અવર’ અને ‘નવેમ્બર સ્ટોરી’માં આવી ચૂકી છે. તેણે ફિલ્મોમાં કામ કરવું છોડયું નથી, પણ હવે તે હિન્દી ફિલ્મો પર જરા વધારે ધ્યાન આપે છે. એટલે ‘બબલી બાઉન્સર’માં અને ‘પ્લાન એ પ્લાન બી’ નામની રોમેન્ટિક કોમેડીમાં રિતેશ દેશમુખ, પૂનમ ઢીલ્લોન સાથે તે કામ કરી રહી છે. ગયા વર્ષે ‘બોલે ચુડિયાં’માં તે આવી હતી.
તમન્ના ‘બાહુબલી’માં અવંતિકા તરીકે ખૂબ ચર્ચામાં રહેલી, પણ ગમે તેવી સફળતા પણ ભૂતકાળ બની જાય છે. એસ.એસ.રાજામૌલીની ત્યાર પછીની ફિલ્મોમાં તમન્ના નથી. એક સફળતાથી બીજી સફળતા સુધીનો રસ્તો ખાલી ન જવો જોઈએ. તમન્ના હવે સમજી વિચારીને જ વેબ સિરીઝ માટે તૈયાર થઈ છે. તેલુગુમાં તો ‘માસ્ટર શેફ’ શો પણ હોસ્ટ કરી ચૂકી છે. હવેના સમયમાં વિકલ્પો છે તો અપનાવવા તૈયાર રહેવું પડે. તમન્નામાં આ શાણપણ આવી ચૂક્યું છે. મુંબઈમાં જન્મેલી તમન્ના ધીરે ધીરે મુંબઈ સ્થાયી થઈ જાય તે પણ શક્ય છે. હજુ તે અપરિણીત છે અને સાઉથમાં કોઈ સાથે પરણશે તો સમજો કે હવે મુંબઈ ભુલી જવા માંગે છે.