કમલ હાસન હિન્દી ફિલ્મો માટે નવો નથી પણ હવે તે વૃધ્ધ જરૂર થયો છે. પૂરા 67 વર્ષનો. તેનામાં ફિલ્મ નિર્માણ-દિગ્દર્શનના સાહસ અને શકિત પણ છે અને તમિલ સાથે હિન્દીમાં રજૂ થઇ રહેલી ‘વિક્રમ’નો નિર્માતા અને અભિનેતા કમલ જ છે. આ ફિલ્મનું દિગ્દર્શન તમિલમાં ‘કૈથી’, ‘માસ્તર’ જેવી એકદમ સફળ ફિલ્મના લેખક-દિગ્દર્શક લોકેશન કનગરાજે કર્યું છે. સાઉથની ફિલ્મોમાંથી માત્ર અભિનેતા-અભિનેત્રી જ નહીં દિગ્દર્શક, સંગીતકાર, પાર્શ્વગાયક-ગાયિકા પણ આવે છે. એટલે કમલની આ ફિલ્મથી લોકેશ કનગરાજનો ય પરિચય થશે. ‘કૈથી’ પરથી અજય દેવગણને લઇ હિન્દીમાં ‘ભોલા’ બની રહી છે અને ‘માસ્તર’ પણ હિન્દીમાં બનવાની જાહેરાત થઇ ચૂકી છે.
આમ છતાં કમલ હાસનને આનંદ છે કે તે સાઉથના એક સારા દિગ્દર્શકનો પરિચય હિન્દીના પ્રેક્ષકોને કરાવશે. કમલ હાસન વિત્યા ચાર વર્ષથી તમિલના પ્રેક્ષકોથી પણ દૂર હતો. તેની ‘વિશ્વરૂપમ-2’ 2018માં રજૂ થયેલી. બાકી સીધી હિન્દીમાં તો તેની ફિલ્મો હવે બનતી ય નથી. 2005માં ‘મુંબઇ એકસપ્રેસ’ આવેલી ને તે પહેલા 2000માં ‘હે રામ’ અને તેનાથી ય પહેલા 1997માં ‘ચાચી 420’ અને લેડીઝ ઓન્લી.’ લોકોને તે ‘ચાચી 420’થી જ છેલ્લે યાદ છે. પણ તે જબરદસ્ત એકટર છે તેનો સ્વીકાર બધા કરે છે. ‘વિક્રમ’ એક એકશન થ્રીલર છે, જેમાં કમલ હાસન સાથે વિજય સેતુપથી ને ફહાધ ફાસિલ, સૂરીયા છે.
લોકેશ કનગરાજ કહે છે કે હું આ ફિલ્મમાં કમલ સરને કારણે જ છું અને જે રીતે ફિલ્મ બની છે તેનાથી અમે બન્ને ખુશ છીએ. કમલ હાસન રાજનેતા થવાના પ્રયત્નમાન છે પણ તે પૂર્ણ રાજનેતા થઇ શકે તેમ નથી. હા, તેને એ વાતનો આનંદ છે કે ‘વિક્રમ’ 3 જૂને રજૂ થાય છે અને તે દિવસે જે. કે. કરુણાનિધીનો જન્મ દિવસ છે. ‘વિક્રમ’નું શૂટિંગ કોરોના દરમ્યાન પણ થતું રહેલું અને એટલે કમલ હાસનને પણ કોરોના થયો હતો. ‘વિક્રમ’માં એવા પોલીસ અધિકારીની વાત છે, જે તેની પત્નીના મૃત્યુના શોકમાં છે અને તેને ક્ષતિ પામેલા મિસાઇલને ફરી કામ કરતી કરવાના કામે લગાડવામાં આવે છે.
તેને ઉંચુ શિક્ષણ પામેલી પ્રિતી(લિસી) સહાયક તરીકે મળે છે. કમલે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. કમલ હાસન છેલ્લા ઘણા વર્ષોથી નિર્માતા તરીકે અને દિગ્દર્શક તરકે પણ કામ કરે છે. હકીકતે 1986માં તેણે ‘વિક્રમ’ નામની તેલુગુ ફિલ્મથી જ નિર્માતા તરીકે શરૂઆત કરેલી. ને પછી ‘થેવર માગન’, ‘ચાચી 420’, ‘હે રામ’, ‘મુંબઇ એકસપ્રેસ’ અને ‘વિશ્વરૂપમ-2’ ઉપરાંત તમિલ, તેલુગુમાં કેટલીક ફિલ્મો બનાવી છે.
‘વિક્રમ’ પાસે તેને ઘણી આશા છે. ગમે તેમ પણ તે 230 ફિલ્મોમાં અભિનય કરી ચૂકયો છે. વાણી ગણપતિ, સારિકા પછી ગૌતમી સાથે તેના સંબંધ રહ્યા છે પણ પરદા પર આવે ને તરત માન મેળવી લે છે. આ તેની તાકાત છે. ‘વિક્રમ’ ફિલ્મ હિન્દીમાં તો ડબ્ડ થઇને રજૂ થઇ રહી છે. એટલે કેટલી સફળ જાય તે ખબર નથી પણ અત્યારે સાઉથની ફિલ્મો ડબ્ડ વર્ઝનમાં પણ ખૂબ સફળ થઇ રહી છે તો કમલ હાસન આશા રાખી શકે. •