રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે નદી (River) કિનારે અદભૂત કુદરતી સૌંદર્ય જોવા મળે છે, અહીં શનિ-રવિવારે અનેક લોકો ફરવા માટે આવે છે. ભરૂચ (Bharuch) જિલ્લાના જોલવા ગામના બે પરિવારના 5 સભ્યો માંડણ ગામે ફરવા આવ્યા હતા ને નદીમાં ન્હાવા પડતાં તમામ સભ્યો ડૂબી (Drowned) ગયા હતા, જોકે રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે એક મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો, જ્યારે અન્ય 4 વ્યક્તિઓને શોધવાની તજવીજ હાથ ધરાઇ હતી.
- ભરૂચના જોલવા ગામના પરમાર અને ચૌહાણ પરિવારના પાંચ સભ્યો રવિવારે બાઈક લઈને ફરવા નીકળ્યા હતા, પાણીમાં ચાલતાં ચાલતાં ગરક થઈ ગયા
- બે દંપતી અને એક 8 વર્ષનો પુત્ર નદીમાં ક્યારે ડૂબી ગયા કોઈને ખબર ન પડી, ગ્રામજનોએ નદી કિનારે બાઈક અને ચપ્પલ જોઈ આ ઘટનાનો અંદાજો લગાવ્યો
ભરૂચ જિલ્લાના જોલવા ગામના જનકસિંહ બળવંતસિંહ પરમાર (ઉ.વ 35), જીગનીશાબેન જનકસિંહ પરમાર(ઉ.વ 32), પૂર્વરાજ જનકસિંહ પરમાર (ઉ.વ 8), વિરપાલસિંહ પરબતસિંહ ચૌહાણ (ઉ.વ 27) તથા ખુશીબેન ઉર્ફે સંગીતાબેન વિરપાલસિંહ ચૌહાણ (ઉ.વ 24) રવિવારે બે બાઈક પર માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા માટે આવ્યા હતા, તેઓ ત્યાં નદીમાં ન્હાવા પડ્યા હતા, તેઓ પાણીની ઊંડાઈથી અજાણ હતા, તેઓ ચાલતાં આગળ જતાં એક પછી એક ડૂબવા માંડ્યા હતા. એમની આસપાસ પણ કોઈ હતું નહિ એટલે એમને બચાવવા પણ કોઈ આવી શક્યું નહોતું.
જો કે નજીકમાં જ એમની 2 બાઈક અને ચપ્પલ પડેલા જોઈ કેટલાક લોકો ડૂબી ગયા હોવાનું અનુમાન ગ્રામજનોએ કર્યુ હતું. એમાંથી કોઈકે રાજપીપળા પોલીસ મથકમાં ફોન કરતા રાજપીપળા પોલીસ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સાથે રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. ફાયર ફાઈટરની ટીમે મહામુસીબતે જીગનીશાબેન જનકસિંહ પરમારનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. બીજા ચાર વ્યક્તિનો શોધખોળ થઈ રહી હતી ત્યારે ધારું થઈ જતાં શોધખોળ બંધ કરવાની ફરજ પડી હતી. હવે સોમવાર સવારે ફરી શોધોખોળ શરૂ કરાશે.
એન.ડી.આર.એફ.ની ટીમ શોધખોળ શરૂ કરશે
જો કે આ ઘટનાની જાણ મૃતકના ઘરે પરિવારજનોને થતાં તેઓ રાજપીપળા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા, નાંદોદ તાલુકાના મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચી પૂછપરછ હાથ ધરી હતી. ડૂબી ગયેલા પરિવારના સભ્યો ક્યારે ત્યાં આવ્યા, કેવી રીતે ડૂબ્યા, એ ડૂબ્યા ત્યારે ત્યાં કોઈ હાજર હતું કે કેમ એ તમામ બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ એન.ડી.આર.એફની ટીમ દ્વારા નદીમાં ગુમ થયેલા પરિવારજનોના સભ્યોની શોધખોળ હાથ ધરવામાં આવશે. હાલ તો રાજપીપળા પોલીસે મૃતક પરિવારજનોની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે.