સુરત (Surat) : લિંબાયતમાં છાસવારે ગુનાહિત બેદરકારીની ગંભીર નોંધ સુરતના પોલીસ કમિશનર અજય તોમર (Surat City Police Commissioner Ajay Tomar) દ્વારા લેવામાં આવી છે. અગાઉ તૂટી ગયેલા સીસીટીવી કેમેરા ખૂદ કમિ. તોમરે રીપેર કરવા માટે આદેશ આપવો પડ્યો હતો. આ ઉપરાંત અગાઉ કમિ. તોમર દ્વારા કરવામાં આવેલા કોમ્બિંગમાં સ્ટાફની નિષ્ક્રીયતાની ગંભીર નોંધ લેવામાં આવી હતી. હાલમાં જ્યારે દારૂ અને જુગારની ક્લબ પર કાર્યવાહી કરવા સખત આદેશ હોવા છતા આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. જે મામલે હાલમાં ઇન્કવાયરી ડીસીપી સજ્જનસિંહ પરમારને સોંપવામાં આવી છે. તેમાં જે ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. તેમાં પીસીબીના ભૂપા અને સ્થાનિક પઢિયારની પાર્ટનરશીપ હોવાની વાત કહેવામાં આવી રહી છે.
છેલ્લા ચાર વર્ષથી આ અડ્ડો ક્યારેય બંધ રહ્યો નથી. તેમાં પઢિયારની ભૂમિકા સામે જો તપાસ કરાય તો ચોંકાવનારી વિગત બહાર આવી શકે છે. આ લોકો આખા લિંબાયતના સ્ટાફ તથા અન્ય એજન્સીઓને લિંબાયતમાં આવવા જ દેતા ન હતા. દરમિયાન આ મામલો નિર્લિપ્ત રાય સુધી પહોંચતા આ રેડ થવા પામી હોવાની વિગત જાણવા મળી છે. આ આખા પ્રકરણમાં શર્મનાક વિગત એ છે કે લિંબાયતની આખી કામગીરી હાલમાં દારૂ અને જુગાર પર ડાયવર્ટ થઇ ગઇ છે. તેમ છતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ભૂપા સામે સંખ્યાબંધ ફરિયાદો હોવા છતા તેની સામે કોઇ કાર્યવાહી થઇ રહી નથી.
કોન્સ્ટેબલ પઢિયારની લાઇફ સ્ટાઇલ ચર્ચામાં
હાલમાં કોન્સ્ટેબલ પઢિયારની લાઇફ સ્ટાઇલ ચર્ચામાં છે. એવુ કહેવાય છે કે તે લાખ્ખો રૂપિયાની ગાડીમાં ફરે છે. લિંબાયત જેવા વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પઢિયારને પૂછ્યા વગર ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યવાહી કરી શકતા નથી. તેમાં ગાંધીનગર લાઇન હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.
લિંબાયત અને ડિંડોલીમાં હજુ પણ સંખ્યાબંધ અડ્ડા ચાલુ
વિજીલન્સી રેડ પછી પણ કમિ. તોમરને અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. તેમાં હજુ પણ સેંકડો દારૂ અને જુગારના અડ્ડા ચાલુ હોવાની વાત છે. આ આખા પ્રકરણમાં સરવાળે ઉચ્ચ અધિકારીઓને નીચલો સ્ટાફ અંધારામાં રાખી રહ્યો છે. તેમાં પઢિયાર જેવા અને ભૂપા જેવા વિવાદીત કોન્સ્ટેબલોને છાવરવાની નિતીને કારણે નિર્દોષ સ્ટાફ ભેખડે ભેરવાઇ રહ્યો છે.
ડીસીબી મેદાનમાં આવી
કમિ. તોમર દ્વારા હાલમાં ડીસીબીને તમામ દારૂ અને જુગારના અડ્ડા બંધ કરાવવા માટે આદેશ આપવામાં આવી રહ્યા છે. ડીસીબી પણ રોજના દસ કરતા વધારે દારૂના અડ્ડા પર કાર્યવાહી કરી રહી હોવાની વિગત જાણવા મળી છે.
શું કહે છે કમિ. તોમર
કમિ. તોમરે જણાવ્યુ હતુ કે હાલમાં 26 જેટલા મોબાઇલ સીઝ કરવામાં આવ્યા છે. તેમાં કોન્સ્ટેબલોના મોબાઇલ સીઝ કરવામાં આવ્યા છે. હાલમાં ડીસીપી લેવલ પર આખી ઇન્કવાયરી કરવામાં આવી રહી છે.