Madhya Gujarat

વૈશાલી ગરનાળાને પહોળું કરવાની કામગીરી શરૂ

નડિયાદ: નડિયાદમાં આવેલ વૈશાલી ગરનાળાને રૂપિયા 690.53 લાખના ખર્ચે પહોળું કરવાની કામગીરીનું ઓગસ્ટ-2021 માં ખાતમૂહ્રર્ત કર્યાં બાદ નઘરોળ તંત્ર દ્વારા તેની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી. જોકે, ખાતમૂહ્રર્ત કર્યાના નવ મહિના બાદ એકાએક ગરનાળાને પહોળું કરવાની કામગીરી યાદ આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં વૈશાલી ગરનાળું આવેલું છે.

ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં જ આ ગરનાળામાં કેડ સમાં પાણી ભરાઈ જતાં હોય છે. ખુબ જ સાંકડા આ ગરનાળામાં ભારે તેમજ ઉંચા વાહનોની અવરજવર પણ થઈ શકતી નથી. જેને પગલે નગરજનોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા રૂ.690.53 લાખના ખર્ચે વૈશાલી ગરનાળાને પહોળું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઓગસ્ટ-2021 માં વૈશાલી ગરનાળાને પહોળું કરવાના કામનું ખાતમૂહ્રર્ત પણ  કરવામાં આવ્યું હતું.

પરંતુ, કોઈક કારણોસર ગરનાળાને પહોળું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી. જાગૃત નગરજનોએ કામ શરૂ કરાવવા માટે તંત્ર સમક્ષ અનેકોવાર રજુઆતો કરી હતી. પરંતુ નઘરોળ તંત્ર આ રજુઆતોને ધ્યાને લેતું ન હોવાથી નગરજનોમાં તંત્ર પરત્વે ભારે રોષ ફેલાયો હતો. જેની સીધી અસર આવનાર વિધાનસભા ચુંટણીમાં પડે તેમ હોવાથી તંત્ર હુંફાળું જાગ્યું હતું અને ખાતમૂહ્રર્ત કર્યાના નવ મહિના બાદ એકાએક ગરનાળું પહોળું કરવાની કામગીરીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે તારીખ 27 મે થી 27 જુલાઈ સુધી વૈશાલી ગરનાળા તરફના માર્ગો પર વાહનવ્યવ્હારની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

વિધાનસભા ચુંટણીમાં લાભ મેળવવા કામ હાથમાં લેવાયું હોવાના કટાક્ષ
નડિયાદના નગરજનોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ઓગસ્ટ-2021 માં વૈશાલી ગરનાળાને પહોળું કરવાની કામગીરીનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. પરંતુ, કોઈક કારણોસર તેની કામગીરી શરૂ કરવામાં આવી જ ન હતી. જોકે, હવે, ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક આવી છે ત્યારે એકાએક તંત્રને ગરનાળું પહોળું કરવાની કામગીરી યાદ આવતાં નગરજનોએ તંત્રની કામગીરી ઉપર સલાવ ઉઠાવ્યાં હતાં. આવનાર વિધાનસભા ચુંટણીમાં લાભ મેળવવા માટે તંત્ર દ્વારા આ કામગીરી હાથમાં લેવાઈ હોવાના કટાક્ષો પણ કેટલાક નગરજનોએ કર્યાં હતાં. આ અગાઉ આરઓ પ્લાન્ટનું કામ હજુ પણ અધ્ધરતાલ જ છે.

વૈશાલી ગરનાળા તરફનો માર્ગ 27 મી જુલાઈ સુધી બંધ રહેશે
વૈશાલી ગરનાળાને પહોળું કરવાની કામગીરી ચાલુ કરવાની હોવાથી નડિયાદ નગરપાલિકા દ્વારા ગત તા.12-5-22 ના રોજ જિલ્લા કલેક્ટરને દરખાસ્ત મોકલી, વૈશાલી સિનેમાથી નડિયાદ રૂરલ પોલીસમથક સુધીના રસ્તા પર વાહનવ્યવહારની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવા જણાવ્યું હતું. જેને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી એસ પટેલે તારીખ 27-5-22 થી તારીખ 27-7-22 સુધી ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમાથી નાની શાકમાર્કેટ થઈ સેન્ટમેરી સ્કુલ અને વૈશાલી સિનેમા તરફના માર્ગ પર વાહનવ્યવહારની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

Most Popular

To Top