સુરત (Surat) : હાલમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સુરતીઓનો દમણમાં ફરવા જવા માટે ધસારો છે. ખાસ કરીને દારૂ અને બિયરના શોખીન સુરતીઓ વીકએન્ડ પર દમણ ઉપડી જાય છે, જેના પગલે દમણ, જામપોર બીચ પર ટુરીસ્ટનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે જ અહીંના એક્સાઈઝ વિભાગે કરેલા એક આદેશના પગલે સ્થાનિક વાઈન શોપના સંચાલકો ઉપરાંત સુરત તથા અન્ય શહેરોમાંથી દમણ ફરવા જતા ટુરીસ્ટ ચિંતિત બન્યા છે.
- અઠવાડિયામાં એક દિવસ દારૂ-બિયર નહીં વેચવા એક્સાઈઝનો આદેશ
- એક્સાઈઝ દ્વારા નિયમનું સખ્તાઈથી પાલન કરવા ચીમકી
- નિયમનું પાલન નહીં કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે
- દમણની જેમ દીવમાં પણ અઠવાડિયામાં એક દિવસ દારૂના વેચાણ પર પ્રતિબંધ
સંઘ પ્રદેશ દાનહ દમણ (Daman) દીવ (Diu) એકસાઈ (Excise) વિભાગ દ્વારા અગાઉ એક આદેશ (Order) જારી કરી જણાવવામાં આવ્યું હતું કે પ્રદેશના જેટલા પણ વાઇન શોપ (Wine Shop) સંચાલકો છે તેઓએ અઠવાડિયામાં (Weekly) એક દિવસ બંધ (Closed) પડવાનો રહશે. પરંતુ જારી કરવામાં આવેલા આદેશનું મોટે ભાગના વાઇન શોપ સંચાલકો ઉલ્લંઘન કરી તેનું પાલન કરતા ન હતા. હવે આ આદેશનું સખ્તાઈથી પાલન થાય અને ફરજિયાત અઠવાડિયામાં એકવાર વાઇનશોપ સંચાલકો બંધ પાડે એ માટે એકસાઇઝ વિભાગ સમયાંતરે ચકાસણી સાથે ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી પણ કરશે. ત્યારે જારી થયેલા આ આદેશ બાદ દાનહ દમણ દીવમાં હવે દરેક વાઇન શોપ પર દરેક દિવસે પર્યટકોને દારૂ બિયર મળી શકશે નહીં.
તમને જણાવી દઈએ કે દમણમાં જ્યારથી બીચના ડેવલપમેન્ટનું કાર્ય થયું છે ત્યારથી જ દમણમાં નિયમોનું સખ્તાઈથી પાલન થવા માંડ્યું છે. ભૂતકાળમાં જોવા મળતું કે દારૂડિયાઓ દરિયા કિનારે જ દારૂ અને બિયર પી ધમાલ કરતા હતા. દરિયા કિનારે બિયરની બોટલો ફેંકી જતા હતા, પરંતુ હવે સ્વચ્છતા વધી છે. તંત્રએ કડકાઈ દાખવતા હવે દમણનું વાતાવરણ સુધર્યું છે. ઠેરઠેર ગંદકી જોવા મળતી નથી. દારૂ પીને ધમાલ કરતા લોકો જોવા મળતા નથી. પોલીસ દ્વારા દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે પણ કડકાઈ દાખવવામાં આવી રહી છે, તેના લીધે શોખીનો હવે હોટલના બંધ રૂમ કે રેસ્ટોરન્ટમાં જ દારૂ બિયરની મહેફિલ માણવા માંડ્યા છે. હવે એક્સાઈઝ વિભાગે પણ અઠવાડિયામાં એક દિવસ દારૂ બિયરના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે તેથી દારૂડિયાઓ પર અંકુશ મુકાશે.