વિધાનસભાની ચૂંટણી સામે દેખાતાં કોંગ્રેસના પક્ષપલટુ ધારાસભ્યો પાર્ટી છોડીને ભા.જ.પ.માં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસના ૭૮ ધારાસભ્યો ચુંટાયા હતા તેમાંથી સમયાંતરે ૧૪ જેટલા ધારાસભ્યો સત્તા અને કરોડો રૂપિયાની લાલચના કારણે કોંગ્રેસ છોડી ભાજપમાં ચાલ્યા ગયા છે. હવે ૬૩ ધારાસભ્યો કોંગ્રેસના છે. તેમાંયે ઘણાં વાડ પર બેઠા છે. કયારે છલાંગ મારે તેની નવાઇ નહીં. છેલ્લી ત્રણ ટર્મથી ખેડબ્રહ્માની બેઠક પરથી ચુંટાતા અશ્વિન કોટવાલે ભાજપનો ખેસ ધારણ કર્યો અને જાહેર-મંચ પરથી કહ્યું, હું તો ૨૦૦૭ થી મોદીનો ભકત છું.
તો શા માટે કોંગ્રેસમાં પડી રહ્યા? કોટવાલની રાજનીતિ શંકાસ્પદ હતી. કોંગ્રેસનું હાઇકમાન્ડ ધારાસભ્યોને સાચવી શકતું નથી. આથી સામી ચૂંટણીએ આયારામ -ગયારામનો દોર ચાલ્યા કરે છે. પક્ષપલટુઓનો કોઇ ધર્મ નથી હોતો, નીતિ-મૂલ્યો વિનાનાં હોય છે. કોંગ્રેસે હવે મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે. ભાજપ પાસે માઇક્રો-પ્લાનિંગ છે. જયારે કોંગ્રેસ જૂથબંધીમાંથી ઉંચું નથી આવતું. આથી હવે કોંગ્રેસે જે ગયા તેને ભૂલી જવાનું છે અને રહ્યા છે તેને સાચવવાનું છે. કોંગ્રેસે સામે પ્રવાહે તરવાનું છે. આથી ગ્રાસ-રૂટ લેવલથી બુથો સુધી સંગઠન મજબૂત બનાવવું પડશે, જે ગયા છે તેને પણ ટીકીટની શું ખાતરી?
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.