નડિયાદ: નડિયાદમાં આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 29 મે ના રોજ ગૃહમંત્રી અમિત શાહનો જાહેર કાર્યક્રમ યોજાનાર છે. જેને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.23454.08 લાખના ખર્ચે 19 રહેણાંક અને 29 બિનરહેણાંક આવાસો બનાવવમાં આવ્યાં છે. જેનું લોકાર્પણ આગામી તારીખ 29-5-22 ને રવિવારના રોજ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવનાર છે.
લોકાર્પણનો આ કાર્યક્રમ ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત નડિયાદમાં આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહમંત્રી અમિત શાહનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ખેડા-આણંદ જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતભરમાંથી ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને આડે હવે માત્ર ચાર દિવસ બાકી રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર વિશાળ ડોમ ઉભો કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તૈયારીઓમાં કોઈ કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન ભાજપના હોદ્દેદારો દ્વારા રાખવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં જનમેદની ઉમટી પડે તેવી શક્યતા જોવા મલી રહી છે.