વલસાડ : ગુજરાત (Gujarat) સહિત દક્ષિણ ગુજરાતના (South Gujarat) વલાસડ (Valsad) જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવણણાં ઠંડક પસરી છે. મંગળવાર સવારથી જ વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Rain) પડ્યો હતો જેના કારણે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી હતી.
દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. ભારે પવન ફૂંકાયા બાદ મંગળવારે વલસાડ પંથકમાં ધોધમાર વરસાદ વરસયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરી હજી આંબા પરથી ઉતારી નથી અને તે પહેલા જ વરસાદી ઝાપટાના કારણે કેરીના પાકને નુકસાન થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે વલસાડના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી છાંટા પડતાં વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. તો બીજી તરફ ફૂકાયેલા ભારે પવનને લઈ વલસાડ રેલવે યાર્ડમાં એક વૃક્ષની ડાળી 4 વીજપોલ ઉપર પડતા વીજપોલ તુટી જવા સાથે વીજતાર તૂટી જતા રેલવે યાર્ડ વિસ્તાર પૈકી કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. જોકે રેલવે કોલોની અધિકારીઓ દ્વારા વીજ કંપનીને જાણ કરાતા વીજ કર્મચારીઓએ ત્વરિત પહોંચી ખોરવાયેલા વીજ પ્રવાહને ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ઝરમર વરસાદને લઈ વાતાવરણ ઠંડુ થતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. સોમવારે પણ પવન ધીરે ધીરે ફૂકાતો રહ્યો હતો.
પવન ફૂંકાતા કેરીની વાડી માલિકોમાં ચિંતા
છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા બદલાવના પગલે પવન ફૂંકાતા કેરીની વાડી માલિકોમાં ચિંતા જોવા મળી હતી. ભારે પવનને લઈ કેરીની ડાળીઓ એકબીજા સાથે અથડાતા કેરીઓ પણ નીચે પડી જતાં આર્થિક નુકશાન થયું હતું. જોકે પડેલી કેરીઓના ભાવ નહીં હોઈ ખેડૂતોને નુકશાન પહોચ્યું હતું.
નવસારીમાં પુરઝડપે ફુંકાતા પવનોને લીધે હોર્ડિંગ તૂટી પડવાને આરે
નવસારી : નવસારીમાં આજે મહત્તમ તાપમાનમાં નહિવત વધારો થયો અને અને લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 15 કી.મી. ની ઝડપે ફુંકાયેલા પવનોને લીધે ઠંડક વર્તાઈ હતી. સાથે જ ધૂળની ડમરીઓ પણ ઊડતી હતી. નવસારીમાં આજે સોમવારે મહત્તમ તાપમાનમાં નહિવત વધારો થતા 33.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીએ યથાવત રહ્યું હતું. નવસારી જિલ્લા સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે છેલ્લા થોડા દિવસોથી નવસારીમાં પુરઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. જે પવનોને લીધે ગરમી અને બફારાથી રાહત મળી હતી. આજે 15 કી.મી. ની ઝડપે પવનો ફુંકાતા રસ્તા પર રહેલી ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ પડી રહી હતી.
ઉપરાંત નવસારીના ગ્રીડથી કાલીયાવાડી રસ્તા પર બિલ્ડર દ્વારા હેરીટેજનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી તેઓ દ્વારા રસ્તાનું મુખ્ય બાજુએ મોટું હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. પરંતુ હાલ પુરઝડપે ફુંકાતા પવનોને લીધે તે હોર્ડિંગ તૂટી પડવાને આરે આવી ગયું હતું. અને મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે તે હોર્ડિંગ લાગેલો રસ્તો બ્લોક કરી વાહન ચાલકોને અન્ય રસ્તેથી મોકલવામાં આવ્યા હતા. જેના લીધે કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી. નગરપાલિકા વિસ્તારમાં ઘણી જગ્યાએ મોટા હોર્ડીંગો લગાવવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ પાલિકા દ્વારા લગાવવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ બિલ્ડરો દ્વારા લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગ અમુક ઉંચાઈ પર લગાવવામાં આવ્યા છે. જેથી હાલ પુરઝડપે ફુંકાતા પવનોને લીધે હોર્ડિંગ તૂટી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. ત્યારે હાલ પાલિકા તેમના વિસ્તારમાં આવેલી હોર્ડીંગોએ ઉતારી લે એ જરૂરી છે.