ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttrakhand) ચાર ધામની (Chaar Dham) યાત્રા માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચારધામની યાત્રા દરમિયાન અચાનક જ મૌસમનો હાલ ખરાબ થયો હતો, જેના કારણે યમુનોત્રી ધામ (Yamunotri Dham) તરફ જતા હાઈવેની (High way) સુરક્ષા દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. જેમાં લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓ ફસાયા છે. પ્રાથમિક માહિતી મુજબ આ તમામ શ્રદ્ધાળુઓ અલગ-અલગ જગ્યાએ ફસાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ માર્ગને ખોલવામાં લગભગ 3 દિવસનો સમય લાગી શકે છે.
મળતી માહિતી મુજબ હાઈવેની સેફ્ટી વોલ ધરાશાયી થવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. જેના કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ છે. જોકે વહીવટીતંત્ર નાના વાહનોમાંથી મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસમાં વ્યસ્ત છે. ઉત્તરાખંડમાં હવામાન ચાલુ છે. તેની અસર ચારધામ યાત્રા પર પણ જોવા મળી રહી છે. મુશળધાર વરસાદ અને વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી.
તે જ સમયે, ચમોલીમાં મુશળધાર વરસાદને કારણે, બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હનુમાન ચટ્ટી અને બદ્રીનાથ વચ્ચે, લામ્બાગઢમાં ખાચડા નાળામાં પાણી વધવાને કારણે અને બલદુડામાં ભૂસ્ખલનને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી. મુસાફરોને પાંડુકેશ્વર, બદ્રીનાથ જોશીમઠ, પીપલકોટી, ચમોલી અને ગૌચર ખાતે રોકવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આગમનને કારણે યાત્રાનો સ્લોટ ભરાઈ ગયો છે. હવે આ અંગે નોંધણી પણ બંધ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. યાત્રાળુઓ રજીસ્ટ્રેશન કાઉન્ટર પર ચક્કર લગાવી રહ્યા છે. ઘણા લોકો કાઉન્ટર પર પોતાનો સામાન લઈને બેઠા છે, પરંતુ તેમનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું નથી.