રાજપીપળા: ભાજપના (BJP) સિનિયર નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો (MP Mansukh Vasava) મોબાઈલ ફોન (Mobile Phone) દિલ્હીથી વડોદરા ટ્રેનમાં (Train) આવતાં વચ્ચે ચોરાઈ ગયો હોવાની ઘટના બની હતી. રેલવે ટ્રેનમાં સાંસદો માટે સુરક્ષા વ્યવસ્થા સાથેનો અલાયદો ડબ્બો હોવા છતાં ફોન ચોરી કેવી રીતે થયો, કોણે કર્યો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જો કે, મનસુખ વસાવાએ રેલવે બોર્ડને ફરિયાદ કરતાં લોકેશન કોટા રાજસ્થાન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવા વીવીઆઈપી કોચમાં દિલ્હીની વડોદરા આવી રહ્યા હતા. સફર દરમિયાન રાજસ્થાન આવતાં તેમના કમ્પાર્ટમેન્ટમાંથી તેમનો સ્માર્ટ ફોન ચોરી થઇ ગયો હતો. સાંસદ મનસુખભાઈએ મોબાઈલ શોધ્યો, પરંતુ એ મળ્યો નહીં એટલે એમણે રેલવેમાં હાજર સુરક્ષા ગાર્ડને ફરિયાદ કરી તો ગાર્ડ દ્વારા જરૂરી સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી સાંસદની ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમનો મોબાઈલ ટ્રેસ કરવામાં આવતાં મોબાઈલનું છેલ્લું લોકેશન રાજસ્થાન કોટા બતાવતાં સુરક્ષા ગાર્ડે કોટા રાજસ્થાનમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની વાત કરી હતી. પરંતુ સાંસદે રાજસ્થાનમાં જઈ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવેમાં ફર્સ્ટ ક્લાસ કેટેગરીમાં વીવીઆઈપી સુવિધાઓ હોય છે, સુરક્ષા પણ એટલી હોય છે. સાથે સંસદ સભ્યોના ડબ્બામાં પણ સુરક્ષા હોય, છતાં પણ જો સાંસદ મનસુખ વસાવાનો મોબાઈલ ટ્રેનમાંથી ચોરી થતો હોય તો એ નવાઈની વાત જરૂર કહેવાય. એ જોતાં સામાન્ય ડબ્બાઓમાં ભીડમાં કેટલી ચોરીઓ થતી હશે. રેલવે વિભાગે આ ચોરીઓ પર અંકુશ લાવવા કોઈ એક્શન પ્લાન બનાવવો જરૂરી બન્યો છે.