કાર્તિક આર્યન સ્વયં જેની રાહ જોતો હતો તે ‘ભૂલ ભૂલૈયા-2’ રજૂ થઇ રહી છે. આ તેની બહુ ખાસ ફિલ્મ છે એવું નથી પણ તે ખાસ પૂરવાર થાય એવું તે જરૂર ઇચ્છે. છેલ્લે ‘ધમાકા’એ ધમાકો કર્યો ન હતો અને ‘પ્યાર કા પંચનામા’ની બે ફિલ્મો અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ની સફળતા પછી તે મોટો ભાવિ સ્ટાર તરીકે ઓળખાવા માંડયો હતો અને હવે એવા સ્ટારડમની અપેક્ષા ફિલ્મો પુરી ન કરે તો બીજાથી વધુ તેને પોતાને ધક્કો લાગે તે સ્વભાવિક છે. આમ પણ તે રિમેક ફિલ્મોમાં આવ્યો છે એટલે ઓરિજીનલ ફિલ્મો વડે ઊભી કરેલી ઇમેજ આગળ વધી નથી. ‘પતિ પત્ની ઔર વો’, ‘લવ આજકલ’ના શીર્ષકો પણ નવા ન હતા. ‘ભુલભુલૈયા-2’ પણ એવી જ છે.
તેણે આ ઇમેજથી છૂટવું જ રહેશે. કાર્તિક આર્યન એકટર તરીકે કોઇ જૂદી ઇમેજ ઊભી કરી શકયો નથી. તેના કરતા આયુષ્યમાન ખુરાના જેવા વધુ સારા કહેવાય. અત્યારે તે ઇમેજ ઊભી કરવાની સ્ટ્રગલમાં છે. ‘ભુલ ભુલૈયા-2’માં તેની સાથે કિયારા અડવાણી અને તબુ છે. કાર્તિકને બે હીરોઇનો વાળી ફિલ્મો મળ્યા કરે છે તો તેમાંની જ આ એક કહી શકાય પણ ‘ભુલ ભુલૈયા’ ફિલ્મ પ્રિય દર્શનની હતી અને આ અનીસ બઝમીની છે અને તેપણ સફળ દિગ્દર્શક છે તો કાર્તિક અપેક્ષા રાખી શકે. કિયારાએ જે નવી લોકપ્રિયતા મેળવી છે તેનો ય ફાયદો થાય તો થશે. બાકી બે હીરોઇનો અને હળવી રોમેન્ટિક ફિલ્મોથી તેણે આગળ વધવું પડે તેમ છે. તેની ‘ફ્રેડી’ પણ રોમેન્ટિક થ્રીલર છે.
પ્રેમ અને ઓબ્સેશન વચ્ચેનો ભેદ આ ફિલ્મમાં થ્રીલર બને છે. કાર્તિક સાથે અલાયા એફ અને જેનિફર પિક્કિનાટો છે. ‘સત્યનારાયણ કી કથા’માં તે ફરી કિયારા અડવાણી સાથે છે. ‘શહજાદા’માં તે ક્રિતી સેનોન છે અને તે રોહિત ધવનની ફિલ્મ છે. આ ફિલ્મો વડે જો તે નવી ઇમેજ બનાવી શકયો તો જ લાભ ભશે. શરૂઆતની સફળતા નવી રીતે આગળ વધે તો જ કામની. તે ઓમ રાઉતની પણ એક એકશન ફિલ્મમાં કામ કરવાનો છે અને હંસલ મહેતા તેનેએને એક ફિલ્મમાં એરફોર્સ અધિકારી બનાવી રહ્યા છે. કાર્તિકની મૂળ અટક તિવારી છે પણ તે એ અટકનો ઉપયોગ નથી કરતો. ગ્વાલિયરથી મુંબઇની તેની આજ સુધીની જર્ની નવી શકયતા ઉઘાડનારી રહી છે. કોઇ સ્ટાર કુટુંબનો નથી તો પણ સફળ જઇ શકાય તેનું તેણે પણ સાબિત કર્યું છે. હવે આ સફળતાને તે કેવી ઊંચાઇ પર લઇ જાય તેમાં કસોટી રહેલી છે. બાકી તેને સારા દિગ્દર્શકો અને સારી અભિનેત્રી સાથેની ફિલ્મો મળે છે. વચ્ચે બે વર્ષ તો બધાના ખરાબ ગયા પણ તેને અફસોસ થતો હશે કે મારા માટે તો સફળતા વટાવવાનો સમય હતો અને તેમાં બ્રેક લાગી. ખેર, બીત ગઇ સો બાત ગઇ હવે નવી બાત બનાવવાનો સમય છે. •