કંડલા: ભારત સરકાર દ્વારા ઘઉંના નિકાસ (Export) પર પ્રતિબંધ (Prohibition)મૂકવામાં આવ્યો છે. સરકારનો આ નિર્ણય લોકોના હિત માટે છે. પરંતુ ગુજરાતમાં (Gujarat) નિકાસ માટે તૈયાર ઘંઉના જથ્થાને લઈ મુશ્કેલી જોવા મળી રહી છે. સરકારના આ નિર્ણયથી કંડલા પોર્ટ (Kandla Port) ઉપર ઘઉંનો જથ્થો અટવાઇ ગયો છે. કંડલા પોર્ટ ઉપર 5 હજારથી વધુ ટ્રક અટવાઇ ગઈ છે. આ ટ્રકોમાં 20 લાખ મેટ્રીક ટન જેટલો ઘઉંનો જથ્થો છે. નવા નિયમોના પગલે કસ્ટમ વિભાગે ઘઉંની નિકાસ ઉપર રોક લગાવી દીધી છે. બીજી તરફ સરકારના નિર્ણય બાદ યુરોપિયન ટ્રેડિંગમાં ઘઉંના ભાવ નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા.
કંડલા પોર્ટ પર ટ્રક અને ટ્રેલરને કારણે ભારે ચક્કાજામ
કંડલા પોર્ટ પર ટ્રક અને ટ્રેલરને કારણે ભારે ચક્કાજામ જોવા મળ્યો છે. જેનું કારણ ઘઉંની નિકાસ પર કેન્દ્ર સરકારે લગાવેલો પ્રતિબંધ છે. કંડલા પોર્ટ પર 5000થી વધુ ટ્રક અટવાઇ છે. તેમજ તંત્ર દ્વારા ટ્રકોમાંનો ઘઉંનો જથ્થો ખાલી કરવા દેવામાં આવી રહ્યો નથી. જેથી એક તરફ ટ્રક ચાલકોને મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ પોર્ટ પર એકસાથે હજારોની સંખ્યામાં ટ્રકો ઊભી હોવાથી અન્ય પરિવહન સેવા પણ ખોરવાઇ રહી છે. કંડલા પોર્ટ પર અટવાયેલી ટ્રકોમાં ભરેલા ઘઉંને ખાલી ન કરવા દેતા ચાલકોને આર્થિક નુકસાન સહન કરવાની સ્થિતિ સર્જાઇ છે. જેથી ટ્રક ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો છે.
પોલીસે ટ્રાફિકજામને પગલે કર્યું આ કામ
આ મામલાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ કંડલા પોર્ટ પર પહોંચી હતી. ત્યાર બાદ ટ્રકોને કારણે અન્ય વાહનોને થતી અસુવિધાને પગલે પોલીસે નિરાકરણના ઉપાયો હાથ ધર્યા હતા. તેમજ રોકાયેલા પરિવહનને ફરીથી યોગ્ય રીતે શરૂ કરવા પ્રયાસો હાથ ધરાયા હતા. ઉલ્લેખનીય છે કે કંડલા બંદરે 2 દિવસથી ઘઉં હેંડલિંગની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી.
ડીજીએફટીની સૂચનામાં માહિતી આપવામાં આવી છે
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ જારી કરેલ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતુ કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયની તારીખે અથવા તે પહેલાં અફર ક્રેડિટ લેટર્સ (LoCs) જારી કરવામાં આવ્યા હોય તેવા માલસામાનની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંના ભાવમાં જોરદાર વધારો થયો છે. ભારતમાં પણ સ્થાનિક ઘઉંના ભાવમાં વધારો થયો છે. ઘણા મોટા રાજ્યોમાં સરકારી ખરીદીની પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી છે અને ઘઉંની ખરીદી લક્ષ્યાંક કરતા ઘણી ઓછી થઈ છે.