ગુફામાં સંચિત અઢળક અનૈતિક ખજાનાવાળી ચાળીસ ચોરોની વાર્તા પ્રચલિત છે. ગુફાનો દરવાજો ઊઘડે તે માટેનો કોડવર્ડ ખુલજા સિમસિમ રાખ્યો હતો. ખજાનાવાળી બધી હકીકતો અનાયાસે અલીબાબા જાણી જાય છે અને ખજાનો પ્રાપ્ત કરી અલીબાબા માલામાલ થઇ જાય છે. ચાળીસ ચોરોએ તે ખજાનો ચોરી, લૂંટફાટ, ડાકુગીરીના અનૈતિક માર્ગે ભેગો કર્યો હોય છે. આજે દેશમાં કોરોના વાયરસની જેમ વ્યાપેલો ભ્રષ્ટાચાર અને તે માર્ગે કરોડો રૂપિયા વ્યવહારને નામે પડાવી લેનાર ચાળીસ ચોર તો નથી, પણ ચાળીસ ટકાની શરત જરૂર છે, આવી કાળી સંપત્તિ સાથેનો ખજાનો રાષ્ટ્રને સમર્પિત કરાવી દેનાર કોઇ વીર દેશભકત અલીબાબાના પેદા થવાની પ્રતીક્ષા છે.
વહેલી તકે આવા અલીબાબાઓ અવતરે તે માટે દેશવાસીઓએ નિરંતર એક નવા પ્રકારના ચાલીસાનું પઠન કરવું પડે તેમ છે. સરકારી, અર્ધ સરકારી કામોમાં ચાળીસ ટકા રકમ ઉપરથી નીચે વિવિધ સ્તરે બિરાજેલા, કર્મચારીઓ, અધિકારીઓને ધરવી પડે છે. આ ચાળીસ ટકાવાળી રકમની કાળી નદીઓ, કાળા નાણાંના મહાસાગરમાં ઠલવાય છે, મહાસાગર જેવડો આ ખજાનો કઇ ગુફામાં, કયાં સંચિત થાય છે અને ગુફાનો દરવાજો ઉઘાડવાનો કોડવર્ડ શું છે તે હકીકત તો જાણભેદુ હિમ્મતવાન, ઇમાનદાર અલીબાબાઓ જ બતાવી શકે.
આજે ચાળીસ ચોરોના સ્વરૂપ બદલાઇ ગયાં છે અને ચાળીસનું પ્રમાણ પણ લાખો ગણું વધી ગયું છે. વળી નવા ચાળીસ ચોરો ખૂબ જ હોંશિયાર હોવાથી વિદેશોમાં અજ્ઞાત ગુફાઓમાં ખજાનો ભરતા જાય છે. દેશમાં શુધ્ધ, પવિત્ર વ્યવસ્થા આણવા પ્રથમ તો ચાળીસ ટકા જેવા ભ્રષ્ટાચારને નાબૂદ કરવો પડશે અને દેશદ્રોહ જેવી સજા અમલી બનાવવી પડશે અને જયાં જયાં આવો ખજાનો ભંડારાયો છે ત્યાં ત્યાંથી પરત મેળવવો પડશે. હવે અલીબાબા ચાળીસ ચોરની કથા ગરીબી, મોંઘવારી, બેરોજગારી, ભૂખમરાથી વ્યથિત દેશમાં ચલાવી ન લેવાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.