આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન અવકાશી પદાર્થો ઉપરા છાપરી પડી રહ્યા છે. અચાનક આવી પડેલી આ ઉપાધીમાં હજુ જાનહાની થઇ નથી. આમ છતાં કુતૂહલ ઉપજ્યું છે કે આ અવકાશી પદાર્થો ક્યાંથી અને કેવી રીતે અહીં ટપોટપ પડી રહ્યાં છે ? ઉમરેઠ બાદ હવે સોજિત્રામાં પણ બે સ્થળે અવકાશી પદાર્થો મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આણંદના ઉમરેઠ પંથકમાં ગયા સપ્તાહે પડેલા આકાશી ગોળાનો હજુ ભેદ ઉકેલાયો નથી. આ ગોળો કોઇ ઉપગ્રહનો છે કે રોકેટ તે અંગે ઇસરોની મદદ લેવામાં આવી રહી છે. જેના કોઇ નિષ્કર્ષ પર પહોંચે ત્યાં ભૂમેલમાં ગોળો પડ્યો હતો. જે સંબંધે ખેડા વહીવટી તંત્રએ તપાસ હાથ ધરી છે.
સદ્દનસીબે આ પદાર્થો ખેતર વિસ્તારમાં પડતાં હોવાથી કોઇ જાનહાની થઇ નથી. આ ગાળામાં સોજિત્રામાં પણ અવકાશી પદાર્થો પડ્યાં હોવાની વાત બહાર આવતા તંત્ર દોડતું થયું છે. જોકે, સોજિત્રામાં અવકાશી ગોળા નહીં પરંતુ ભંગાર જેવી ધાતુની પટ્ટીઓ પડી હતી. આ ઘટનાથી સોજિત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હસમુખ ગઢવી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં સોજિત્રાના કાસોર ગામના ખોડીયારપુરા વિસ્તારમાં વિજયભાઈ ચૌહાણના ખેતરમાં ગુરૂવાર બપોરે એક વહેંત જેટલો ધાતુનો ટુકડો પડ્યો હતો. જેનાથી કોઇ જાનહાની થઇ નથી. તેવી જ રીતે ઉમરાળા ક્યારીમાં આવેલા વેરાભાઈ મંગળભાઈના ખેતરમાં લગભગ દોઢ ફુટ જેટલો ધાતુનો ટુકડો ઘેંટા પર પડ્યો હતો. જેનાથી ઘેંટાનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત વિરોલના શારદાપુરામાં પણ આવો જ એક ટુકડો મળી આવ્યો હતો.