Madhya Gujarat

ડાકોરમાં ઉભરાતી ગટરથી ત્રસ્ત રહિશોએ આંદોલન કર્યું

નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના વોર્ડ નં 7 માં ગટર ઉભરાવવાની સમસ્યા માથાનો દુખાવો બની છે. છેલ્લાં આઠ મહિના કરતાં વધુ સમયથી દરરોજ ઉભરાતી ગટરના ગંદા પાણી ડહોળી-ડહોળીને આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આ મામલે અનેકોવારની રજુઆત છતાં પાલિકાના નઘરોળ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરાતી ન હોવાથી રોષે ભરાયેલાં સ્થાનિકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સોમવારે પુનમના દિવસે આ વિસ્તારના સ્થાનિકોએ રોડ પર ઉભરાયેલા ગટરના ગંદા પાણી સામે બેસી ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું. જેને પગલે તંત્ર દોડતું થયું હતું.

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના સૌથી પોશ વિસ્તાર ગણાતાં વોર્ડ નં 7 માં આવેલ રણછોડરાય સોસાયટી, ભાવિક સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લાં આઠ મહિના કરતાં વધુ સમયથી ગટરો ઉભરાઈ રહી છે. રોજેરોજ ઉભરાતી આ ગટરોના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સોસાયટીમાં થઈને મુખ્ય માર્ગો પર ફરી વળે છે. જેને પગલે આ વિસ્તારમાં રહેતાં રહીશોને રોજેરોજ ગટરના ગંદા પાણી ડહોળીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ક્યારેક-ક્યારેક ગટરના ગંદા પાણી આસપાસના ઘરોમાં પણ ઘુસી જતાં હોય છે. ગટરના ગંદા પાણીને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી આ વિસ્તારના રહીશો અવારનવાર બિમારીમાં સપડાઈ રહ્યાં છે. જેથી ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોએ પાલિકા સમક્ષ અનેકવાર રજુઆત કરી છે. પરંતુ પાલિકાનું ભ્રષ્ટ અને નઘરોળ તંત્ર દ્વારા રજુઆતો ધ્યાને લેતું ન હતું.

સ્થાનિકોએ પાલિકાના ચુંટાયેલા કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો, ચીફઓફિસર, પાલિકાના કર્મચારીઓ, રાજકીય પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારોને મળી ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવવા રીતસરની આજીજી કરી હોવાછતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું. જેથી રોષે ભરાયેલાં સ્થાનિકોએ આખરે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી હતી. સોમવારના રોજ સવારના સમયે સ્થાનિકો સોસાયટી બહાર ગટરમાંથી ઉભરાયેલાં ગંદા પાણી સામે ઉપવાસ આંદોલન પર બેસી વિરોધ નોંધાવતાં તંત્ર દોડતું થયું હતું.

Most Popular

To Top