બાળમિત્રો, એક અનોખા ગામની વાત આજે જાણીએ. માણસને સામાન્ય રીતે 8 કલાકની ઊંઘ જરૂરી છે. નવજાત શિશુથી માંડી એક વર્ષનું બાળક સરેરાશ 17 થી 18 કલાક ઊંઘ લે છે. 70 ઉપરના વૃધ્ધોને 12 થી 14 કલાક ઊંઘ જોઈતી હોય છે. પણ કઝાકિસ્તાનનું માત્ર 600ની વસ્તી ધરાવતા કલાચી નામના ગામમાં અજબ-ગજબના કુંભકર્ણ જેવી ઊંઘ લેતા લોકો રહે છે. અહીંના માણસોમાં ઊંઘવાની એવી આદત પડી ગઈ છે કે હાલતા-ચાલતા, કામ કરતા કે ભણતાં-ભણતાં ગમે ત્યાં ઊંઘી જાય છે. આપણી સામાન્ય બુધ્ધિથી દૂર એવી એ બાબતે કલ્પના પણ ના કરી શકીએ. કલાકોથી લઈને મહિનાઓ સુધી ઊંઘતા આ લોકો સંશોધકો માટે માથું ખંજવાળે એવો વિષય છે. વૈજ્ઞાનિકો અને સંશોધકો કેટલાક પરીક્ષણ પછી એવું કંઈક વિચારતા થયા છે કે આ વિસ્તારમાં બંધ પડેલી ખાણોમાંથી યુરેનિયમ ગેસ ઉત્પન્ન થાય છે જેને કારણે દૂષિત થઈ રહેલા પાણીને કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે.
સંશોધન પછી સંશોધકોનું કહેવું એવું છે કે આ દૂષિત પાણીમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભળેલો હોય છે જેની અસર ગામના લોકોને થવાથી આ પ્રકારની તકલીફ સર્જાય છે. આ તકલીફની 2010માં જાણ ત્યારે થઈ જ્યારે એક સ્કૂલમાં કેટલાક બાળકો ભણતા-ભણતા એક સાથે જ બેંચ પર ઊંઘી ગયા હતા. ત્યાર પછી સિલસિલો ચાલુ જ રહ્યો અને નાની હોય કે મોટી દરેક વ્યક્તિઓ આ રીતે ગમે ત્યાં ઊંઘ આવતા ઊંઘી જ જાય અને કલાકો, દિવસો કે મહિનાઓ સુધી ઊંઘતા રહે છે. આ લોકો જાગે ત્યારે એને યાદ કરાવવું પડે છે તે કોણ છે, આજે કઈ તારીખ અને દિવસ છે વગેરે.. વગેરે… આ તકલીફને કારણે સૌ કોઈ આ પરિસ્થિતિથી જાણકાર હોવાને કારણે ગાર્ડનની બેંચ પર કે ફૂટપાથ પર સૂઈ ગયેલા માણસોનું ધ્યાન રાખે છે અથવા તો તેને તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરે છે.