ભરૂચ: (Bharuch) ભરૂચના ડુમવાડ ખાતે રહેતા શખ્સે તેની પત્ની સાથેના પ્રેમસંબંધને (Love Affair) લઈ પેરિસથી માદરે વતન આવેલા યુવાન સાથે તકરાર કરી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપતાં મામલો એ-ડિવિઝન પોલીસમથકે પહોંચ્યો છે. ભરૂચના મુલતાનીવાડમાં રહેતા ૨૮ વર્ષિય મહંમદ દાનેશ ખાલીદ પીપવાલાને ૧૩ વર્ષ પહેલા એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જો કે, યુવતીના પરિવારજનોએ તેનાં લગ્ન બીજે કરાવી નાંખ્યાં હતાં. બાદ ૨૦૧૪માં મહંમદ દાનેશ પણ વિદેશ પેરિસ (ફ્રાન્સ) સેટલ થવા ચાલ્યો ગયો હતો. પરંતુ યુવતીનાં લગ્ન બીજે થઈ ગયાં છતાં તેની સાથે ફોન પર સંપર્ક ચાલુ રાખ્યો હતો. જેની ભાળ મળતાં યુવતીના પતિ સહિત સાસરિયાંને મળતાં આ બાબતે મહંમદ દાનેશના પરિવારજનોને ફરિયાદ કરી તમામ સંપર્કો બંધ કરી નાંખવાનું જણાવ્યું હતું.
બાદ મહંમદ દાનેશ એપ્રિલ-૨૦૨૨માં પેરિસથી માદરે વતન થોડા દિવસો માટે આવ્યો હતો. જે તા-૧૪મી મેના રોજ ભરૂચ સેવાશ્રમ રોડ પર રસ પીવા માટે ઊભો હતો. એ દરમિયાન ડુમવાડ ખાતે રહેતો ઈર્શાદ ઈમ્તિયાઝ શેખ અને તેના પિતાએ ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ઈર્શાદ શેખે કહ્યું કે, તેં મારી પત્ની જોડે પ્રેમસંબંધ રાખી મારું ઘર ખરાબ કર્યું છે. હુમલો કરનારાઓએ તને જીવતો નહીં છોડીએ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. જેના પગલે મહંમદ દાનેશે એ-ડિવિઝન પોલીસમાં ઈર્શાદ ઈમ્તિયાઝ શેખ અને તેના પિતા ઈમ્તિયાઝ શેખ વિરુદ્ધ મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે પણ ઈર્શાદ ઈમ્તિયાઝ શેખે દાનેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદ અનુસાર ઇર્શાદ શેખની પત્નીને મહમદ દાનેશ ઓડિયો તથા વિડીયો કોલ મારફતે સંપર્ક કરી પ્રેમાલાપ કરતો હતો. જો કે, પરિવારજનોએ ભેગા મળી મામલા અંગે વિચારવિમર્શ કરી તેમની ભૂલ માફ કરી દીધી હતી. તેમ છતાં મહંમદ દાનેશ તેની પત્નીને પેરિસથી ગિફ્ટ મોકલી હતી. તા.૧૪મી મેના રોજ ઈર્શાદ શેખ અને તેમના પિતા સેવાશ્રમ રોડ ખાતે ફ્રૂટ ખરીદી રહ્યા હતા. એ સમયે અચાનક મહંમદ દાનેશે આવી તેમને ઊભા રાખી ઝઘડો કરી કહેતો હતો કે તું કેમ તારી પત્નીને છૂટાછેડા આપી દેતા નથી અને તેની જોડે કેમ રહે છે. કહીને ગાળાગાળી કરીને બંનેને માર મારવા માંડ્યો હતો. તથા દાનેશે ઈર્શાદને કહ્યું કે તેની પત્નીને છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. જે બાબતે ઈર્શાદ શેખે એ ડિવિઝન પોલીસમાં મહંમદ દાનેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ તકરારમાં એ-ડિવિઝન પોલીસે હાલ બંનેની સામસામી ફરિયાદોને આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.