આપણા દૈનિક જીવનમાં એક પછી એક ઘણી તકો આવે છે, તક આપણાં બારણાં ખખડાવતી હોય છે પણ આપણને ખ્યાલ આવતો નથી. યોગ્ય સમયે બારણાં ખોલીને તકને આવકારવાની આવડત હોવી જોઇએ. દૃષ્ટિ હોવી જોઇએ. તક ન મળે તો તક ઊભી કરીને આગળ વધવું જોઇએ. તક તમારું તકદીર ઘડશે. જીવન કંઇ સુંદર બગીચો નથી. જેમાં હંમેશાં રંગબેરંગી ફૂલો હોય. આપણે મહેનત કરીને જીવનનો બગીચો તૈયાર કરવો પડે છે. કંટકોથી ભરેલી અને પાષાણવાળી જગ્યાને આપણે મઠારવી પડે છે પણ આ મઠારવાનું કામ સહેલું નથી. કેટલાંય લોકોનો અનુભવ હોય છે કે પ્રયાસ કરવા છતાં જીવનના બગીચાને મઘમઘતો કરી શકાતો નથી. તેનું કારણ શું?
વિચાર કરતાં જણાય છે કે માત્ર પ્રયાસ પૂરતો નથી પણ યોગ્ય સમયનો યોગ્ય પ્રયાસ જરૂરી બને છે. આ યોગ્ય સમય એટલે જ ‘તક’. બુધ્ધિમાન માણસ સુયોગ્ય તકની રાહ જ જોતાં હોય છે. તક આવે એટલે તેને ક્ષણના વિલંબ વિના ઝડપી લે છે. આજે આપણે કોઇ મોટા ઉદ્યોગપતિ કે કોઇ સફળ રાજકર્તા કે કોઇ ચિંતકનું જીવન નિહાળીએ તો જાણવા મળે છે કે તેઓના જીવનમાં એક- બે સુંદર તકો સાંપડી એનો એમણે ખંતથી ઉપયોગ કર્યો કે તેમનું જીવન કથીરમાંથી કંચન બની ગયું.
તકને શ્રેષ્ઠ રીતે હાથ ધરવા વ્યકિતએ પોતાની સૂઝબૂઝ જાગૃત રાખવી જોઇએ, તકને પારખવા પોઝિટિવ માઇન્ડસેટ હોવું ખૂબ જ અગત્યનું છે. નકારાત્મક વિચારોવાળી વ્યકિત પોતાની સાવ નિકટથી પસાર થતી કોઇ આકર્ષક તકને પણ ગુમાવી દે છે. જયારે હકારાત્મક વલણવાળી પાસે એ તાકાત હોય છે કે શૂન્યમાંથી પણ કોઇ તકનું નિર્માણ કરી લે છે.
એક ખેડૂત હતો. તેની જમીનમાં કાંઇ જ પાકતું ન હતું, જમીન ખડકાળ હતી. તે પોતાના ખેતરમાંથી કાંઇક મળે તે અંગે વિચારતો હતો પણ કોઇ માર્ગ મળતો ન હતો. એક દિવસ તેની નજર તેના ખેતરમાંથી પસાર થતાં પાણીનાં નાના ઝરણાં ઉપર પડી. તેણે વિચાર કર્યો જે તક માટે રાહ જોતો હતો તે તો તેના ખેતરમાં જ તેને આવકારવા તૈયાર હતી. તેને જણાયું કે ભલે ખેતરમાંથી કાંઇ ન મળે પણ આ ઝરણાંના પાણીમાંથી રોટલો જરૂર કમાઇ લેવાશે. તે બીજે દિવસે બુકસ્ટોલમાં ગયો અને માછલીના ઉછેર અંગેની બુક ખરીદી લાવ્યો અને માછલી ઉછેરવાનું શરૂ કર્યું અને એમાંથી સમય જતાં અઢળક ધન કમાયો.
તક મળતી નથી એવું તો નબળા લોકો જ કહે છે. પ્રવૃત્તિશીલ માણસો તો તક ઊભી કરે છે. જો એક દૃષ્ટિકોણથી વિચારીએ તો દરેકનું જીવન શું તકોથી ભરેલું નથી? શાળા કે કોલેજનો દરેક દિવસ નવી તકથી ભરેલો નથી હોતો? ડૉકટર માટે દરેક નવો દરદી કંઇક નવું શીખવાની તક છે. વેપારી પાસે દરેક નવો ગ્રાહક ધંધો શીખવાની તક રજૂ કરે છે. ધંધામાં થતાં નાનામોટા દરેક સોદા નવી તક ઊભી કરી આપે છે. એક દૃષ્ટાંત જોઇએ – વિલિયમ ફિપ્સ નામનો ભરવાડ. તે બોસ્ટન શહેરની સડક પર ફરતો હતો. ફરતાં ફરતાં તેણે કેટલાક ખલાસીઓને વાત કરતાં સાંભળ્યા, તેઓ ચર્ચા કરતા હતા કે – બહામા ટાપુ પાસે ડૂબેલ એક સ્પેનિશ જહાજમાં ઘણું ઝવેરાત હતું. વિલિયમ ફીપ્સને આ વાત સાંભળતાં વિચાર આવ્યો કે પોતે તરવામાં હોંશિયાર છે તો શા માટે આ તક ઝડપી બહામા ટાપુઓમાં ન જાય?
શા માટે ત્યાં પાણીમાં ઊંડે જઇ ડૂબેલાં જહાજને શોધી ન કાઢે? તેણે જહાજ શોધી કાઢવાનો નિશ્ચય કર્યો. તેણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી પણ જહાજમાં છુપાયેલું ઝવેરાત શોધી કાઢયું. તક તો ઝડપી પણ હિંમતથી ફાયદો પણ મેળવ્યો અને માલદાર બની ગયો. ખલાસીઓ તો માત્ર વાત જ કરતા રહ્યા, જયારે ફીપ્સે કરી બતાવ્યું. આપણા દૈનિક જીવનમાં એક પછી એક ઘણી તકો આવે છે, તક આપણાં બારણાં ખખડાવતી હોય છે. પણ આપણને ખ્યાલ આવતો નથી. યોગ્ય સમયે બારણાં ખોલીને તકને આવકારવાની આવડત હોવી જોઇએ. દૃષ્ટિ હોવી જોઇએ. તક ન મળે તો તક ઊભી કરીને આગળ વધવું જોઇએ. તક તમારું તકદીર ઘડશે.
એક સામાન્ય ઘરની છોકરી બધી કળામાં નિપુણ. એને બધું જ આવડે, ભણવામાં હોંશિયાર, ગાવાનું સુંદર, નૃત્યકલામાં સુંદર. વાંચન લેખન – વકતૃત્વ કળામાં નિપુણ. ગામડામાં ઉછેર એટલે પધ્ધતિસર તાલીમ મળી ન હતી. ડિગ્રી મેળવી શહેરમાં આવી. એને એની કળા પ્રદર્શિત કરવા એક ફિલ્ડ જોઇતું હતું – જાહેરાતના માધ્યમથી એક સ્કૂલમાં નોકરીની તક ઝડપી લીધી. પગારને એણે મહત્ત્વ ન આપ્યું – એણે વિચાર્યું આ તક હું ગુમાવીશ તો મારામાં રહેલી આટલી કળા કેવી રીતે ઉજાગર કરીશ? શાળાના બાળકોના માધ્યમ દ્વારા મારી કળાને, શિક્ષણને ચાર ચાંદ લગાવવા આ તક ઝડપવી જ રહી. ધીરે ધીરે પોતાની આવડતથી બાળકોને બધી જ ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં કર્યાં અને શાળાને વિજેતાની હરોળમાં મૂકી. શાળાની સાથે પોતાનું નામ થયું આ થયો તક ઝડપવાનો પ્રભાવ….!
એક નાનકડી તક માણસના જીવનના નકશાને બદલી શકે છે. તકને જો ઝડપી લેવામાં આવે તો પ્રગતિના અનેક દરવાજા આપોઆપ ખૂલી જાય છે. તકને ગુમાવવી એટલે અવસર ચૂકયો મેહુલો નકામો તેમ તક ગુમાવનાર માણસ નકામો. કામ કામને શીખવે. નવું કામ નવી તક ઊભી કરે. કેટલાંક કામ આપણે ફરજિયાત કરવાના માથે આવી પડે છે અને તેમાંથી નવું સંશોધન થાય છે, નવી તક ઊભી થાય છે. એક માણસની સ્ત્રી માંદી પડી તેથી કપડાં ધોવાનાં એને આવ્યાં, તેને વિચાર આવ્યો કે કપડાં ધોવાનું મશીન બનાવ્યું હોય તો? તેને આવું વિચારવાની તક સાંપડી. તેણે મશીન બનાવ્યું અને લાખો રૂપિયા કમાયો.
સંશોધકનું મન તકની તપશ્ચર્યા કરતું હોય છે. તક પ્રસન્ન થઇ જાય છે અને સંશોધક માલામાલ થઇ જાય છે. જે તકને પિછાણી શકતાં નથી તે લોકો તકની કિંમત સમજી શકતા નથી. આજે તો યુવાનો સમક્ષ પણ આગળ આવવા માટે કેટલી બધી તકો છે! જાતને સુધારણા માટે, સ્વવિકાસ માટે, આર્થિક પ્રાપ્તિ માટે તકોનો કોઇ તોટો નથી. જે યુવાન તક જોઇ શકતો નથી તે અંધ છે, તે નિર્બળ છે એમ કહી શકાય. તો યુવાનો, સફળતાની ચાવી તકને ઝડપવામાં છે.
વાચકમિત્રો! ‘તક’ એવો પારસમણિ છે જેના સ્પર્શે આપણા દિવસો સુવર્ણમય બની જાય છે. જયારે મન અને હૃદય ઉત્સાહથી ભરપૂર હોય અને કાર્ય કરવા તત્પર હોય ત્યારે તેને ઉત્તમ તક માનવી જોઇએ. આ સોનેરી ક્ષણને – તકને હાથમાંથી સરકવા ન દો. એ સમયે ધીરજપૂર્વક માર્ગનું મૂલ્યાંકન કરતાં સફળતા મળશે જ એવા વિશ્વાસ સાથે આઇન્સ્ટાઇનની આ સલાહ યાદ રાખો – ‘મુશ્કેલીઓની વચ્ચે જ તક છુપાયેલી હોય છે’. તો મિત્રો! ઝળહળતી તક જડેલો તાજ શા માટે આપણે ધારણ ન કરીએ?