વડોદરા : આકાશમાંથી અગનગોળા વરસતી કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.તેવામાં શુક્રવારે સવારે આગની બે ઘટનાઓ બનવા પામી હતી.જેમાં શહેરના અલકાપુરી જીમમાં સર્કિટના કારણે તથા સયાજી બાગ ડેપ્યુટી મ્યુ.કમિના બંગલાની બાજુમાં આવેલ નર્સરીમાં ઝાડીઓમાં પડેલ લાકડા અને કચરામાં આગ લાગી હતી.બનાવ અંગે ફાયર બ્રિગેડના જવાનોએ સત્વરે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદનસીબે જાનહાની ટળી હતી.
વડોદરા શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.તેવામાં સયાજીબાગમાં આવેલ નર્સરીમાં આગ ફાટી નિકળી હતી.નર્સરીની ઝાડીઓમાં પડેલા કચરા અને લાકડાના કારણે આગ વધુ ફેલાઈ હતી.આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા ફરજ પર હાજર સિક્યુરિટી અને કર્મચારીઓ દ્વારા તુરત ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.જેથી તત્કાલ દાંડિયા બજાર ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના બંગલાની બાજુમાં આગની ઘટના બની હતી.જોકે આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું ન હતું.જોકે સત્વરે આગ કાબુમાં લેવાઈ ગઈ હતી.જ્યારે બીજા બનાવમાં નૂતનપાર્ક ક્લબ અલકાપુરી કોમ્પ્લેક્ષ સામે આવેલ બેલેન્સ વર્કઆઉટ જીમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જીમમાં એસી,એલસીડી બળીને ખાક થઈ ગયા હતા.અચાનક ધડાકા થતા જીમમાં ઉત્તેજના છવાઇ હતી.બનાવની જાણ કરવામાં આવતા તુરંત વડીવાડી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ દરમિયાન જીઈબીની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી કાર્યવાહી હાથધરી હતી.
સિક્યુરિટી-કર્માઓએ આગની ફાયર બ્રિગેડને જાણ કરી
ડેપ્યુટી કમિશનરનો બંગલાના સિક્યુરિટી ગાર્ડોએ ફાયર કંટ્રોલમાં જાણ કરી હતી. આગ કયા કારણોસર લાગી એ જાણવા નથી મળ્યું. કોઇ નુકસાન થયું નથી.અહીં ઝાડીઓમાં લાકડા હતા તે જગ્યાએ આગ લાગી હતી. -દિગ્વિજયસિંહ પરમાર,સબ ફાયર ઓફિસર
નર્સરીના કચરાની બાબત અમે ધ્યાન પર લાવ્યા હતા
નર્સરી વિસ્તારમાં જમા થયેલા કચરાથી આગ લાગી હતી. આ બાબત અમે તંત્રને ધ્યાન પર લાવ્યા હતા. પરંતુ જે લાગી માટે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જરૂરી છે. બાજુના ઝુમાં સહેલાણીઓ આવે છે, પ્રાણીઓ-પક્ષીઓ છે. તેમની સુરક્ષા જરૂરી છે. અહીં ભેગો થતો કચરાનો નિકાલ કરવો જરૂરી છે.-પ્રત્યુષ પાટણકર,ઝુ ક્યુરેટર,પ્રાણી સંગ્રહાલય સયાજીબાગ