દાહોદ : દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામે પુરા ડુંગરી ફળિયામાં રહેતાં નરવતભાઈ સોમાભાઈ બામણીયાના પુત્ર દિલીપ (ઉ.વ. ૧૦) તથા રાહુલ (ઉ.વ.૫) બંન્ને ભાઈઓ નજીકમાં આવેલ શંકરભાઈ વીરસીંગભાઈ બામણીયાના ઘરે રમતા હતાં. તે દરમ્યાન કાટું ગામના રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનીયા લાલ કલરની મોટરસાઈકલ લઈને ગત તા.૧૦મી મેના રોજ સાંજના આઠ વાગ્યાના આસપાસ આવ્યાં હતાં અને ઉપરોક્ત બંન્ને ભાઈઓને ટીફીન જમાડવાની લાલચ આપી મોટરસાઈકલ ઉપર બેસાડીને લઈ ગયો હતો.
આ બાદ ઉપરોક્ત બંન્ને ભાઈઓ ઘરે પરત ન આવતાં તેમના પરિવાજનો દ્વારા બંન્ને ભાઈઓની ભારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ ભારે શોધખોળના અંતે પણ ઉપરોક્ત બંન્ને ભાઈઓ મળી ન આવતાં ધાનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ધાનપુર પોલીસ, પરિવારજનો અને ગ્રામજનો દ્વારા અન્ય પરિવારજનો તેમજ નજીકના જંગલ વિસ્તાર ખુંદી વળ્યાં હતાં ત્યારે આજરોજ જેસાવાડા રોડ ઉપર કાટું ગામના સીમાડે પાણીના ટાંકાની બાજુમાં પથ્થરો નીચેથી એક લાશ મળી આવી હતી તે પછી અન્ય એક બીજી લાશ કાંટુ ગામની અંદર સાત – આઠ કિલોમીટર દુર ગામના સીમાડામાંથી મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગયો હતો.
પોલીસ ઘટના સ્થળે દોડી બંન્ને લાશોને ધાનપુર સરકારી દવાખાનમાં પી.એમ. માટે મોકલી આપી હતી. હત્યા કરી લાશને સગેવગે કરવાના ઈરાદે હત્યારા દ્વારા હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. નરવતભાઈ સોમાભાઈ બામણીયા દ્વારા બંન્ને દિલીપ તેમજ રાહુલનું અપહરણ કરનાર રાજેશ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનીયા વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાંવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બંન્ને લાશનું પી.એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.