જમનાદાસ મજિઠીયા અને આતિશ કાપડીયાએ સાથે મળી અનેક ફેમસ ને મસ્ત ટી.વી. સિરીયલો આપી છે. આમ તો આ બેનું નામ ન લેવાય, કારણકે તેઓની મિત્રમંડળીમાં દેવેન ભોજાણી, વિપુલ ગણાત્રા પણ છે. આમ તો વિપુલ શાહને ય ગણી શકો પણ તે હવે ફિલ્મોમાં જ વ્યસ્ત રહે છે. આતિશ સ્વયં નિર્માતા તરીકે ૧૧ જેટલી ટી.વી. સિરીયલો બનાવવા સાથે જે સિરીયલો લખી તે હંમેશ એક જૂદા પ્રકારની કોમેડી અને કુટુંબના ઇમોશન્સથી સભર હતી. લોકો ‘ખીચડી’ અને ‘સારાભાઇ વર્સિસ સારાભાઇ’ માટે તો હંમેશા યાદ કરે છે પણ ‘વાગલે કી દુનિયા’ તેમણે આર.કે. લક્ષમણના કોમનમેનને હાથે રાખી બીલકુલ પોતાની રીતે લખી. તે પહેલાં ‘ભાખરવડી’ (૩૦૯ એપિસોડ્સ), ‘બડી દૂર સે આયે હે’ (૬૩૬ એપિસોડ), ‘બા બહુ ઔર બેબી’ (૫૫૩ એપિસોડ્સ), જશુબેન જયંતીલાલ જોશીકી જોઇન્ટ ફેમિલી (૨૫૦ એપિસોડ્સ) લખી છે. તમે ‘એક મહલ હો સપનોં કા’ ના ૧૦૦૦ એપિસોડ પણ યાદ કરી શકો. એમ કહેવું જોઇએ આ ટી.વી. સિરીયલથી આતિશ, જે.ડી., દેવેન વગેરે સ્થાયી નિર્માતા મંડળી બન્યા.
હવે આ આતિશ ‘હેપી ફેમિલી કંડીશન્સ એપ્લાય’ સાથે આવી રહ્યા છે. આ વખતે તેમની ટીમમાં સુપ્રિયા નહીં, રત્ના પાઠક છે અને સાથે રાજ બબ્બર, આયેશા ઝૂલ્કા, અતુલ કુલકર્ણી છે. એમેઝોન પ્રાઇવ વિડીયો માટેની આ મુવીનું દિગ્દર્શન આતિશ કાપડિયા કરશે. આ બંને છે એટલે કોમેડી તો છે જ પણ આતિશની કોમેડી હંમેશા ખાસ રહી છે ને એટલી જ કૌટુંબિક રહી છે. કુટુંબના પાત્રોની વાત, સંબંધોની વાત કરતા કરતા તે માર્મિક રીતે હસાવે છે. તો હવે તૈયાર રહો ‘હેપી ફેમિલી કંડીશન્સ એપ્લાય’ જોવા.