પારડી : ઉદવાડા (Udwada) ઓરવાડ ઝંડા ચોક પાસે મોંઘીદાટ કાર BMW લઈને નશાની હાલતમાં ડ્રાઇવિંગ (Driving) કરતા ખેરગામના મહિલા સરપંચના પતિને (Husband) પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. પતિ-પત્ની કેનેડાથી (Canada) થોડા માસ અગાઉ જ ખેરગામ આવ્યા હતા. પંચાયતમાં અનેક વખત પત્ની સરપંચ (Sarpanch) તરીકે વિવાદમાં રહ્યા હોવાની વિગત મળી હતી.
- પતિ-પત્ની કેનેડાથી થોડા માસ અગાઉ જ ખેરગામ આવ્યાં
- પોલીસને ચાલક સાઈડનો કાચ તૂટેલો, બોનેટ તથા પાછળના દરવાજાનો ભાગ દબાઈ ગયેલી હાલતમાં દેખાયો
- મહિલા સરપંચનો પતિ અગાઉ જિ.પં.નવસારીનો સભ્ય હતો
- નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા ખેરગામના મહિલા સરપંચના પતિને પોલીસે ઝડપી પાડ્યો
પારડી તાલુકાના ઓરવાડ ઝંડાચોક પાસે પારડી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલની ટીમ વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન સારણ રોડ પરથી આવતી બીએમડબલ્યુ કાર નં. DN 09 L 0555ના ચાલક અને ખેરગામના મહિલા સરપંચ ઝરણાબેનના પતિ ધર્મેશ શંકર પટેલને રોકી પોલીસે તપાસ કરી હતી. પોલીસે ચેક કરતા કારમાં ચાલક સાઈડનો કાચ તૂટેલો અને બોનેટ તથા પાછળના દરવાજાનો ભાગ દબાઈ ગયેલી હાલતમાં દેખાય આવ્યો હતો. પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે લથડાતી જીભે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને શરીરનું સમતોલન પણ જાળવી ન શકતા લથડીયા મારતો હતો. ખેરગામના મહિલા સરપંચના પીધ્ધડ પતિ અને કાર ચાલક ધર્મેશ પટેલ નશાની હાલતમાં હોવાનું જણાવતા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. કારને કેવી રીતે નુકશાન થયું, જે અંગે અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે.
મહિલા સરપંચ ઝરણાબેનનો પતિ ધર્મેશ અગાઉ જિ.પં.નવસારીનો સભ્ય હતો
ખેરગામ મહિલા સરપંચનો પતિ ધર્મેશ શંકર પટેલ અગાઉ નવસારી જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયો હતો. જો કે, તે વારંવાર જિ.પં.ની સભામાં ગેરહાજર રહેતા તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. બાદમાં પતિ-પત્ની ઝરણાંબેન અને ધર્મેશ શંકર પટેલ બંને ખેરગામ છોડીને કેનેડા જતા રહ્યા હતા. જોકે, પતિ-પત્ની કેનેડાથી થોડા માસ અગાઉ જ ખેરગામ આવ્યા હતા. ઝરણાંબેન પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. અનેક વખત સરપંચ તરીકે તેઓ વિવાદમાં રહ્યા હોવાની વિગત મળી હતી.