વડોદરા : શાર્પશુટર તરીકે ઓળખાતો કુખ્યાત આરોપી અનીલ ઉર્ફે એન્થોની સયાજીગંજ વિસ્તારમાંથી છોટાઉદેપુર પીએસઆઈના હાથમાંથી ફરાર થયાના બનાવને ચાર દિવસ ઉપરાંત થઈ ગયા છે. પરંતુ શહેર પોલીસની એક પણ ટીમ તેના સુધી પહોંચી શકાય તેવી કોઈ પણ ખાસ માહિતી મેળવી શકી નથી. ત્યારે અનીલ ઉર્ફે એન્થોનીની પત્ની અને બહેન સહિત અન્ય ત્રણ સાગરીતો પોલીસને ઝડપી પાડ્યા હતા. તેઓની વદુ પુછપરછ માટે સયાજીગંજ પોલીસે કોર્ટમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. આ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પીએસઆઈને હોટલ પરથી જમાવડવા લઈ જનાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
સયાજીગંજ વિસ્તારમાં આવેલી પુજા હોટલમાંથી અનીલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી છોટાઉદેપુરના પોલીસ જાપ્તાના પીએસઆઈ ડામોરની વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે ગત તા.6એ ભાગી છુટ્યો હતો. જે અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આઠ જણા વિરૂદ્ધ ગુના નોંધાયા હતા. ત્યારબાદ તપાસમાં વધુ પાંચ જણાના નામ ખુલ્યા હતા. જેથી આરોપીની સંખ્યા આઠથી વધીને 13 થઈ હતી.
જોકે આ મામલે પીસીબીની ટીમે અનીલ ઉર્ફે એન્થોનીની પત્ની સુમન અને બહેન જયશ્રીને ઝડપી પાડ્યા હતા. તે બાદ પુછપરછમાં અનીલ ઉર્ફે એન્થોની માટે હોટલ ઉપર જમવાની સગવડ કરનાર અજય ગાયકવાડ, મેહુલ ચાવડા તથા કશ્યપ સોલંકનુ નામ ખુલતા તેઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે તેઓની વધુ પુછપરછ માટે સયાજીગંજ પોલીસે અનીલ ઉર્ફે એન્થોનીની પત્ની તથા બહેન અને ઉપરોક્ત ત્રણેયને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. જેની સામે કોર્ટે પાંચેયના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
PSI ડામોરને હોટલ પર જમવા લઈ જનાર સોહેલ ઝડપાયો
પુજા હોટલે અનીલ ઉર્ફે એન્થોની આવ્યા બાદ સોહેલ વસીમોહમંદ સૈયદ(ઉ.વ.38)(રહે, આમીર કોમ્પલેક્ષ તાંદલજા) પીએસઆઈ ડામોરને સાથે સાસુમા રેસ્ટોરંટ ખાતે જમવા લઈ ગયો હતો. જેથી અનીલ ઉર્ફે એન્થોનીને ફરાર થવામાં સરળતા મળે. આ દરમિયાન એન્થોની ફરાર થઈ જતા. પોલીસના હાથે સોહેલનું નામ લાગ્યુ હતું. તેવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, સોહેલ તાંદલજાના એમ.આઈ.જી.ફ્લેટ પાસે છે. જે માહિતની આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેણે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
એન્થોની મોપેડ ઉપર રાજસ્થાન અને એમપી ગયો હોવાની ચર્ચા
કુખ્યાત એન્થોની સયાજીગંજની હોટલમાંથી ફરાર થઈ મોપેડ ઉપર રાજ્યની બહાર નીકળ્યો હોવાની માહિતી સુત્રો દ્વારા જાણવા મળી હતી. ત્યારે તે અગાઉ રાજસ્થાન તેના સંબંધીના ઘરે અને તે બાદ એમપી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. જોકે પોલીસે તે માહિતીના આધારે તપાસ કરી હોવાનું જાણવા મળ્યુ હતું. પરંતુ એન્થોની ક્યાં પણ નહોતો મળી આવ્યો હતો.