એક ઝાડ એવું પ્રેમનું ઉગાડવામાં આવે, જેનો પાડોશીના આંગણાંમાં પણ છાંયડો જાય. નફરતને દૂર કરવા માટે સૌથી સરળ રસ્તો પ્રેમ છે. કોઈ વ્યકિત નફરત વગર રહી શકે પરંતુ પ્રેમ વગર રહી નહીં શકે. એક એવું ઝાડ(શજર) ઉગાડવામાં આવે જેનો છાંયડો પાડોશી(હમ-સાયે)ના આંગણાં સુધી પ્રેમની ઠંડક પહોંચાડે. બીજા ઘરમાં જો તમે નફરતનો તડકો ઓછો કરશો તો આપમેળે તમારા ઘરમાં પણ પ્રેમનો છાંયડો કાયમ રહેશે. જો કે ઝાડનું કામ છે છાંયો આપવાનું. તે કોઈ ધર્મ કે ઘરનું આંગણું જોતા નથી. ઘટાદાર વૃક્ષ હંમેશાં તડકો સહન કરીને બીજાને છાંયડો આપે છે.
એક એવું વૃક્ષ ઉગાડવામાં આવે કે જેનો છાંયડો પાડોશીના આંગણાંને પણ ઠંડક આપે તો પછી નફરતનો તડકો કોઈને પરેશાન નહીં કરી શકે. કુદરત ક્યારે પણ કોઈ વચ્ચે ભેદભાવ કરતી નથી. ઘટાદાર વૃક્ષ પર માળો બાંધનાર પક્ષી માટે બધી ડાળીઓ સલામત હોય છે. ઝાડનો છાંયડો પણ બધા માટે હોય. ભલે ઝાડ જે આંગણાંમાં હોય તેની સાથે પાડોશીના આંગણાંને પણ એ તો એકસરખો છાંયડો પહોંચાડે. તેના માટે બધા સરખા. કુદરત તરફથી મળતો સૂર્યનો પ્રકાશ હોય કે પવન હોય કે નદીનું પાણી હોય.
એ કોઈ માટે ભેદભાવ રાખતા નથી. કુદરત દરેકને એક સરખો ન્યાય કરે છે. એ દરેક પ્રાણી-પંખી અને માણસને પોતાની કૃપાઓ બરોબર વહેંચે છે. તેના માટે અમીર-ગરીબ કે શેઠ-નોકર બધા સરખા છે. ઝાડનો છાંયડો બધા માટે સરખો હોય છે. બધાને એક સરખો ન્યાય કરનારા આવા પ્રેમનો સંદેશો આપતા વૃક્ષ નફરતને દૂર કરી શકે. માણસનો સૌથી મોટો ધર્મ તેની માણસાઈ છે. જેમ કુદરત બધાને સરખો ન્યાય કરે છે. તે રીતે માણસે પણ કુદરતના માર્ગ પર ચાલવું જોઈએ. જ્યાં નફરતને કોઈ સ્થાન નહીં હોય. પોતાના આંગણાંને છાંયડો આપે તેવા ઝાડ કરતાં બીજાના આંગણાં સુધી છાંયડો પહોંચે તેવા વૃક્ષને ઉગાડો તો ચારે તરફ ભાઈચારો અને પ્રેમ રહે. નફરતનો તડકો પાડોશીના ઘરથી પણ દૂર રહે.