વાપી : ભીલાડથી (Bhilad) વાપી (Vapi) તરફ આવતી એક ટ્રક (Truck) મંગળવારે સાંજે યમદૂત બનીને નેશનલ હાઇવે પર દોડતી મોહનગામ ફાટક પાસે રસ્તાની બાજુમાં રીક્ષાની રાહ જોતા છ મજૂરોને અડફેટે લેતા બેના મોત (Death) નીપજ્યા હતા. જ્યારે ચારને ગંભીર ઈજા પહોંચી છે. જે પૈકી બે મહિલા પણ ઇજાગ્રસ્ત છે. બે ઇજાગ્રસ્તને રાત્રે વલસાડ સિવિલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા. જોકે ટ્રકનો ડ્રાઇવર કહે છે નશામાં હોવાથી કરમબેલીમાં એક બાઇકને ટક્કર મારી ભાગ્યો હતો. ત્યારબાદ રસ્તાની બાજુમાં કેરીના બે-ત્રણ મંડપને પણ અડફેટે લઇ એક વેગનાર કારને પણ ટક્કર મારી મોહનગામ ફાટક પાસે રસ્તાની પાસે ઊભી રીક્ષાને ઉડાવીને બાજુમાં ઊભેલા ગોધરા તરફના 6 મજૂરોને અડફેટે લીધા હતા.
જે પૈકી બેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. ભીલાડ પોલીસે ડ્રાઇવરને અટક કરી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાંજે અકસ્માત બાદ લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને પુરુષના મૃતદેહ વાપી ચલા સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ચાર ઇજાગ્રસ્તને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે. જે પૈકી બે ઇજાગ્રસ્તને રાત્રે વલસાડ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવાયા છે.
ઇકો કાર ચાલકે અડફેટે લેતા રસ્તે ઉભેલા યુવકનું મોત
સુરત : જહાંગીરપુરા પોલીસના જણાવ્યા મુજબ રાંદેર એસએમસી આવાસમાં રહેતી 45 વર્ષીય મીનાબેન કાલુસીંગ શાહુના પતિનું અગિયાર વર્ષ પહેલા અવસાન થયું હતું. મીનાબેનનો પુત્ર હિરા અને દિયર રાકેશ રાય જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ પાસે ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે ગણેશ ચાઈની નામની લારી ઉપર નોકરી કરે છે. ગત 5 તારીખે રાત્રે તેઓ લારી પાસે ઉભા હતા ત્યારે ઇકો કાર જીજે-05-જેડી-3758 ના ચાલકે રાકેશને ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો હતો. જેથી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં જ્યાંથી વધારે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું.
અડદા ગામ પાસે બાઈક સ્લીપ થતા આંતલિયાના યુવાનનું મોત
નવસારી : અડદા ગામ પાસે બાઈક સ્લીપ થતા આંતલિયા ગામના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી આંતલિયા ગામે ફદલાવાડ આઈ.ટી.આઈ. સામે નરેશભાઈ વસંતભાઈ તલાવીયા (ઉ. વ. 32) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત નરેશભાઈ તેમની બાઈક (નં. જીજે-21-એએન-4719) લઈને કામ કરવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે નવસારી-ગણદેવી રોડ પર અડદા ગામ પાસે કન્યા છાત્રાલય જવાના પાટિયા પહેલા નરેશભાઈએ તેમની બાઈકના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઇ ગઈ હતી. જેના પગલે નરેશભાઈ નજીક આવેલી દિવાલ બનાવવા માટે ભરેલા આર.સી.સી. ના બીમ સાથે અથડાયા હતા. જેથી તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ સુનીલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. ઘનશ્યામસિંહને સોંપી છે.