સુરત(Surat): અલગ-અલગ વિષય ઉપર પીએચડી(PHD) કરનારા પ્રશિક્ષણાર્થીઓ વિશે આપણે સાંભળ્યું જ હશે પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં એક પ્રાધ્યાપકે શૈક્ષણિક તણાવ(Academic stress), અધ્યાપન અભિયોગ્યતા અને સાંવેગિક બુદ્ધિનો અભ્યાસ કરીને મહાનિબંધ (પીએચડી) કરી છે.
- પોલીસ, સામાજિક કાર્યકર, ડોક્ટર સૌથી વધુ માનસિક તાણ અનુભવે છે
- પડકારોની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર પડતી અસરો ઉપર સંશોધન
જીવનમાં માણસ કોઇને કોઇ તબક્કે પડકારોનો સામનો કરતો જ હોય છે. આવા પડકારોને લઇ તેના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થય ઉપર કેવી અસર પડે છે તેની ઉપર સંશોધન કરીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવિર્સિટીમાં પોરબંદરનાં આર.જી.ટી. કોલેજના પ્રધ્યાપક કલ્પેશ એમ.પટેલે થિસીસ (મહાનિબંધ) તૈયાર કર્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યાશાખાના ડો.કિશોર આર.નાયકના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા મહાનિબંધમાં માણસ પોતાના જીવનના લક્ષ્યાંકોને પાર પાડવા માટે પોતાની શક્તિઓને દાવ ઉપર લગાડે છે ત્યારે તેને સફળતાની સાથે સાથે ક્યાંક નિષ્ફળતા પણ મળતી હોય જેના પરિણામ સ્વરૂપે તેણે ચિંતા, ભય, તણાવ, હતાશા જેવી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મનોવૈજ્ઞાનિક સમસ્યામાં આ વ્યવસાયોનો સમાવેશ
આ મનોવૈજ્ઞાનિક સમસ્યામાં અલગ-અલગ કાર્યક્ષેત્રને સાંકળવામાં આવ્યા છે. જેમાં 1998માં એચ.એસ.શ્રીવાસ્તવના પુસ્તક મેનેજિંગ સ્ટ્રેસમાં 20 સૌથી વધુ મનોભારયુક્ત વ્યવસાયોની યાદીનો ઉલ્લેખ કર્યો છે. આ યાદીમાં જેલ વિભાગ, પોલીસ, સામાજિક કાર્યકર, શિક્ષણ, એમ્બ્યુલન્સ, નર્સિંગ, ડોક્ટર્સ, ફાયર બ્રિગેડ, દાંતના ડોક્ટર, ખાણ ઉદ્યોગ, લશ્કર, સંરક્ષણ સંચાલકિય નોકરી, અભિનય, પત્રકારિતા, ભાષાશાસ્ત્રી, નિર્દેશક, રમતગમત, હોટલ તેમજ કેટરિંગ, જાહેર વાહન વ્યવહારમાં કાર્યરત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
યાદીમાં શિક્ષણ ચોથા ક્રમે
આ યાદીમાં શિક્ષણનો ક્રમ ચોથા સ્થાને 15 વર્ષ પહેલા મુકવામાં આવ્યો હતો. વિદ્યાર્થી જીવનમાં શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ક્ષમતા અનિવાર્ય છે. જ્યારે ક્ષમતા એ અભિયોગ્યતામાં પરિણામે ત્યારે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના વ્યક્તિગત પ્રયત્નો બૌદ્ધિક ક્ષમતા, સ્વભાવગત લાક્ષણિક્તા વગેરે પ્રત્યે વિદ્યાર્થી સજાગ બને તો એની અસર તેના દેખાવ ઉપર પડે છે. જ્યારે અધ્યાપન અભિયોગ્યતા અંગે વિચારણા કરીએ તો એ અમુક સ્થિતિ અથવા લક્ષણોનો સમૂહ છે. અભિયોગ્યતાએ વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતા, વ્યક્તિની કાર્ય કરવા માટેની પ્રતિબદ્ધતા અને વ્યક્તિ જેમાં રહીને કાર્ય કરે છે તે પરિસ્થિતિ છે. ટુંકમાં મહત્વકાંક્ષા, પડકાર, આક્રમક અને તેમજ ગણવેશ, બેઠક વ્યવસ્થા, જડ સમયપત્રક વગેરેને કારણે બાળકોમાં તણાવ ઉદભવે છે.