વડોદરા : નવાપુરા આર.વી.દેસાઈ રોડ પર આવેલી મહર્ષિ અરવિંદ કોલોની વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને નાથવા નવી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ કરાઇ છે. વર્ષો જુની પાણીની લાઈનમાં ખામી સર્જાતા નવી લાઈન નાખવાની ફરજ પડી છે. સમગ્ર નવાપુરા વિસ્તારમાં વર્ષોથી દૂષિત અને વાસ મારતું પાણી આવતું હોવાની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે વિસ્તારના રહીશો હાલાકીનો ભોગ બન્યા હતા. ત્યારે એક બાદ એક વિસ્તારમાં સમસ્યાનો ફોલ્ટ શોધી તેનો કાયમી ધોરણે નિકાલ લાવવા વિસ્તારના બે મહિલા કાઉન્સિલરોએ કમર કસી છે. જેસીબીથી ખાડો ખોદી નવી લાઈન તેમજ વાલ્વ નાખવાની કામગીરી હાથધરાઈ છે. ત્યારે કાઉન્સિલર જાગૃતિબેન કાકા અને જ્યોતિબેન પટેલ સ્થળ પર હાજર રહી સ્થાનિકોને સાથે રાખી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ વિસ્તારની વર્ષો જૂની માથાનો દુખાવો સમાન બનેલી દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે.
ત્યારે સ્થાનિક રહીશોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. નોંધનીય છે કે સમગ્ર નવાપુરા વિસ્તારમાં પાણી, ડ્રેનેજની સમસ્યા જે વર્ષોજુની છે. જેના કારણે વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. આ અંગે સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે દ્વારા પણ અનેકવાર સભામાં રજૂઆત તેમજ સ્થાનિકોને સાથે રાખી પદાધિકારીઓ અને અધિકારીઓને સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવા રજુઆત કરી હતી. બીજી તરફ ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકા અને જ્યોતિબેન પટેલ દ્વારા દરરોજ સવારે વિસ્તારની મુલાકાત લેવામાં આવતી હતી. જે દરમિયાન રોજ એક નવી સોસાયટીમાં દૂષિત પાણીની ફરિયાદો મળતી હતી. જેના કારણે બંને કોર્પોરેટર દ્વારા આ અંગે વારંવાર રજૂઆત કરતા તંત્રના કાને અથડાઈ હતી અને સમસ્યાનું નિરાકરણ લાવવા પાણીની નવી લાઈન અને વાલ્વ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ફોલ્ટ મળતા આ જગ્યા પર કામ ચાલુ કર્યું છે
આર વી દેસાઈ રોડ ઉપર મહર્ષિ અરવિંદ કોલોનીમાંથી વારંવાર રજૂઆત હતી. ત્યારે ત્યાં જઈને ઘરે-ઘરે જોયું તો ખરેખર લોકોના ઘરોમાં ખૂબ જ ગંદુ પાણી આવતું હતું. જે અંગે અમે કોર્પોરેશનમાં રજૂઆત કરીને અહીં નવી પાઇપ લાઇન નાખવાનું કામ શરૂ કરાવ્યું છે. ફોલ્ટ મળ્યો છે એટલે આ જગ્યા પર કામ ચાલુ કર્યું છે. ત્યારબાદ બીજી જગ્યાએ પણ કામ લેવાના છે.
-જ્યોતિબેન પટેલ,કોર્પોરેટર ,વોર્ડ 13 ભાજપ