નડિયાદ: ઠાસરા તાલુકાના મંજીપુરાની પરિણીતા સાથે તેના પતિ, સાસું-સસરાં અને દિયરોએ ભેગાં મળી દહેજ મુદ્દે ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં સાસરીયાઓએ મારઝુડ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. આ મામલે પરિણીતાની ફરીયાદને આધારે ડાકોર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ તાલુકાના ચલાલી ગામમાં રહેતાં પુનમભાઈ પશાભાઈ રોહિતની પુત્રી રેખાબેનના લગ્ન ચારેક વર્ષ અગાઉ ઠાસરા તાલુકાના મંજીપુરા ગામમાં રહેતાં હસમુખભાઈ નટુભાઈ રોહિત સાથે જ્ઞાતિના રીતીરીવાજ મુજબ થયાં હતાં. જે બાદ શરૂઆતના થોડા મહિનાઓ સુધી પતિ તેમજ સાસરીયાઓએ રેખાબેન સાથે સારો વ્યવહાર રાખ્યો હતો. જોકે, બાદમાં તેઓ ઘરકામ તેમજ અન્ય બાબતે વાંક કાઢી રેખાબેન સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં. રાતરતન નામની બિમારીથી પીડાતાં રેખાબેનને રાત્રીના સમયે આંખે ઓછું દેખાતું હોવાથી તેનો પતિ હસમુખ તું તો આંધળી છે, તને કશું દેખાતું નથી તેમ કહી મ્હેણાટોણા મારતાં હતાં.
તેમ છતાં રેખાબેન મુંગા મોઢે ત્રાસ સહન કરતાં હતાં. દરમિયાન ગત તારીખ ૬-૫-૨૨ ના રોજ સાસરાં નટુભાઈ નારણભાઈ રોહિત અને સાસુ શારદાબેન નટુભાઈ રોહિતે દહેજની માંગ કરી રેખાબેન સાથે ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં હસમુખે તેના માતા-પિતાનું ઉપરાણું લઈ પત્નિ રેખાબેનને ગડદાપાટુનો મારમાર્યો હતો. જ્યારે દિયર હર્ષદભાઈ નટુભાઈ રોહિત અને શૈલેષભાઈ નટુભાઈ રોહિત પણ ગમેતેમ અપશબ્દો બોલી રેખાબેનને મારવા સામે થઈ ગયાં હતાં અને અમારે તને રાખવાની નથી તેમ કહી ઘરમાંથી કાઢી મુકી હતી. આ બનાવ અંગે રેખાબેને પોતાના પતિ હસમુખભાઈ નટુભાઈ રોહિત, સસરાં નટુભાઈ નારણભાઈ રોહિત, સાસુ શારદાબેન નટુભાઈ રોહિત, દિયર હર્ષદભાઈ નટુભાઈ રોહિત અને શૈલેષભાઈ નટુભાઈ રોહિત સામે ડાકોર પોલીસમથકમાં ફરીયાદ આપતાં, પોલીસે પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.