Vadodara

ખાસવાડી સ્મશાનમાં બાળકોની દફનવિધિ પર પ્રશ્નાર્થ

વડોદરા: વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ની દુર્દશા અત્યંત દયનીય છે. સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા આવતા લોકોને ભારે અગવડોનો સામનો કરવો પડે છે.તેમાય નવજાત અને અન્ય નાના બાળકો માટેના દફનવિધિ સ્થળની હાલત તો અત્યંત બિસ્માર અને ભયંકર છે. ખાડો કરીને દાટવામાં  આવતા બાળકોના શાવને કુતરા ચિરી ફાડી  ખાતા હોવાની અવાર નવાર ઘટનાઓ પછી પણ પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી તેમજ હજુ સુધી આવી ઘટનાઓ ન બને તે માટે  કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરાઇ નથી. વડોદરા શહેર ફરતે ૩૪ જેટલા સ્મશાનો છે.જે પૈકી મોટાભાગના સ્મશાનોની હાલત અત્યંત કફોડી છે.વડોદરા શહેરનું ખાસવાડી સ્મશાન અગવડોની ભરમાર છે.સ્મશાન ક્રિયા માટે આવતા લોકોની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે.

બીજી તરફ વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો રીનોવેશન થશેની ટેપ વગાડ્યા કરે છે. પરંતુ હજુ સુધી તેની કોઇ તારીખ નક્કી થઈ નથી. જોકે ખાસવાડી સ્મશાનની બિસ્માર હાલત વચ્ચે  નાના બાળકોને દફન કરવામાં આવે છે તેની સ્થિતિ તો અત્યંત દારુણ અને ખોફનાક છે.

ચારેકોર પથરાયેલા કચરા વચ્ચે  મૃતક બાળકોને ત્યાં દાટવામાં આવે છે. નવજાત બાળકો હોય કે નાનો બાળક તેની સુરક્ષા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે.અગાઉ અનેક વખત મૃત બાળકોના શવ ને બહાર કાઢીને કુતરા ફાડી ખાય ગયા હતા. આવી ઘટનાઓ પછી પણ તંત્રની આંખ ઉઘડતી નથી આજે પણ એજ સ્થિતિ દેખાય છે. આ સ્થળ રાત્રિના સમયે કૂતરાઓનું ઘર હોય તેમ  કુતરાનુ ટોળકી ભેગી થાય છે જેઓ ક્યારેક દટાયેલા બાળકોના મૃતદેહને ખોદવાનો પ્રયાસ પણ કરે છે આ અંગે સ્થાનિક લોકોની અનેક રજૂઆતો પછી પણ તંત્રએ આળસ ખંખેરી નથી. નવજાત શિશુને દાટી ને ઘરે જતા પરિવારજનોને સતત ડર લાગે છે કે રાત્રે તેમના બાળકને મૃત શરીર સુરક્ષિત હશે કે કુતરાઓએ તેને  ફાડી ખાધું હશે ખેર,પાલિકાતંત્ર અંતિમ ધામમાં પણ સગવડો આપવામાં સરેઆમ નિષ્ફળ રહ્યું છે.તંત્ર આની નોંધ લઇ સત્વરે ઘટતુ કરે તેવી રહીશોની માંગ છે.

ખાસવાડી સ્મશાનમાં કુતરાઓ બિન્દાસ ફરે છે
વડોદરા શહેરનું સૌથી વ્યસ્ત રહેતા ખાસવાડી સ્મશાનમાં કુતરાઓ બિન્દાસ ફરતા જોવા મળે છે. ખાસ કરીને આ કૂતરાની નજર દટાયેલા બાળકોના મૃતદેહ પર હોય તેમ દફનવિધિ સ્થળ પર ફરતા નજરે પડે છે .સ્મશાનમાંથી કૂતરાઓને દૂર કરવા માટે કર્મચારીઓ દ્વારા પણ કોઈ જાતનો  પ્રયાસ કરવામાં આવતો નથી તે પણ હકીકત છે.

બાળકોની અંતિમવિધિ માટે અલાયદી વ્યવસ્થા કરાશે
ખાસવાડી સ્મશાનમાં બાળકોને દાટવા માટેની જગ્યાની હાલત ખુબ જ બિસ્માર છે.જે અંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે  જણાવ્યું હતું કે ખાસવાડી સ્મશાનનું ૭ કરોડના ખર્ચે રિનોવેશન થશે જેમાં બાળકોની અંતિમવિધિ માટે પણ ખાસ પ્રોવિઝન કરવામાં આવ્યું છે.બાળકોની અંતિમ વિધિ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. – સાંસદ રંજનબેન ભટ્ટ

Most Popular

To Top