સુરત: (Surat) નવસારીમાં રહેતી શાંતાબેન નામની મહિલા જે સુરતના પોશ વિસ્તારમાં શિતલ આંટીના (Shital aunty) નામે પ્રખ્યાત છે. આ મહિલા પોશ વિસ્તારમાં યુવાનોને ચરસનું (Hashish) વેચાણ કરતી હતી. ક્રાઈમ બ્રાંચે આજે બાતમીના આધારે શિતલ આંટી અને તેના પુત્રને ડુમસ લક્ઝરીયા ટ્રેડહબ પાસે ઝડપી (Arrest) પાડ્યા હતા. તેમની પાસેથી તથા નવસારી તેમના ઘરેથી 2.70 લાખનું 1801.620 ગ્રામ ચરસ મળી 5.75 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ડુમસ રોડ પર લકઝરીયા ટ્રેડ હબ પાસે ઉત્સવ અને તેની માતા શાંતાબેન ઉર્ફે શીતલ રમેશભાઇ સાંગાણી (ઉ.વ.45) ( બંને રહે.ફલેટ ન-૩૦૪, ધર્મનંદન એપાર્ટમેન્ટ, જલાલપોર, લીમડા ચોક, તા.જલાલપોર જી. નવસારી) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 35 હજારની કિમતનો 235 ગ્રામ 620 એમએલ ચરસનો જથ્થો તથા મોપેડ મળી 1.13 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આરોપીના રહેણાંક મકાનમાં પણ ચરસનો જથ્થો હોવાની શક્યતાને પગલે રેઈડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચે નવસારી જીલ્લા એલસીબીનો સંપર્ક કરી સંકલનમાં રહી તેમના ઘરે રેઈડ કરતા 2.34 લાખની કિમતનું 1560 ગ્રામ ચરસ તથા રોકડા 1.95 લાખ રૂપિયા તથા વજન કાંટો, કોથળીઓ સહિત 4.61 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. આરોપીની પુછપરછ કરતા તેઓ ચરસનો જથ્થો હીમાચલ પ્રદેશથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી. મહિલા આરોપી શાંતાબેન કે જે સુરત શહેરના પોશ વિસ્તારમાં શિતલ આંટીના નામથી પ્રખ્યાત છે. તે નવસારી ખાતે રહી પોતાના મળતીયા મારફતે હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો મંગાવતી હતી. અને નવસારીના રહેણાક મકાનમાં રાખી છુટક રીતે સુરત શહેરમાં પોશ વિસ્તારમાં વેચાણ કરતી હતી. ગ્રાહકોને ફોન કરી તે કહેતી કાલા માલ આ ગયા હૈ. એક પડીકીના 4 થી 5 હજાર રૂપિયા લેતી હતી.
સંગીતા કેર ટેકર તરીકે નોકરીએ લાગી અને ચરસ વેચતી થઈ ગઈ
ચાર વર્ષ પહેલા અઠવાલાઈન્સ ખાતે રહેતા નિરવનું બ્રેઈનનું ઓપરેશન થયું હતું. ત્યારે તેને કેર ટેકરની જરૂર હોવાથી પેપરમાં જાહેરાત આપી હતી. જે જોઈને કેરટેકરની નોકરી માટે સંગીતા નિરવના ત્યાં ગઈ હતી. અને ત્યારથી નિરવના સંપર્કમાં આવી હતી. બાદમાં નિરવ હિમાચલ પ્રદેશ જતો રહેતા ત્યાંથી ચરસ મોકલતો અને સંગીતા અહીં પોશ વિસ્તારમાં તે વેચાણ કરતી હતી.
હિમાચલના નિરવ અને ચરસ ડિલેવરી કરનાર મહિલા વોન્ટેડ
અઠવાલાઈન્સ કેશવ જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા નિરવ અરૂણભાઈ પટેલ હાલ હિમાચલ પ્રદેશ ખાતે રહે છે. નિરવે તેમની ઓળખીતી સંતોષ ચૌહાણ ઉર્ફે આરતી (રહે.દિલ્લી) ને લઈને આપવા મોકલ્યો હતો. હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો મોકલનાર નિરવ અને ડીલેવરી આપવા સુરત આવનાર સંતોષ ચૌહાણ ઉર્ફે આરતીને વોન્ટેડ જાહેર કરાયા છે.
નવસારીમાં પિતા-પુત્ર સામે પણ ફરિયાદ નોંધાવી
આરોપી રમેશભાઇ કાળુભાઇ સાંગાણી તથા દર્શન રમેશભાઇ સાંગાણી (બંને રહે. ફલેટ નં.૩૦૪, ધર્મનંદન એપાર્ટમેન્ટ, જલાલપોર, લીમડા ચોક, જલાલપોર, નવસારી) ને પકડી તેઓ વિરૂધ્ધમાં નવસારી ખાતે ફરીયાદ દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી.
પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરેલો મુદ્દામાલ
મોપેડ, મોબાઈલ તથા નવસારી મકાનમાંથી ડીઝીટલ વજન કાંટા, રોકડા રૂપીયા ૧,૯૫,૩૦૦, એમેઝોન ઇન ની નાની-મોટી બેગો નંગ-૩૮૯, પ્લાસ્ટીકની પારદર્શક ઝીપ કોથળીઓ, પ્લાસ્ટીકની પારદર્શક ડબ્બી નંગ-૦૬, માઇક્રોવેવેબલ ફિલ્મના પેકેટ, ખાખી કલરની આંકડાકીય હિસાબ લખેલી નોટબુક, કાતર, ચપ્પુ, કેલ્કયુલેટર
પકડાયેલા આરોપીઓ
(૧) ઉત્સવ રમેશભાઇ સાંગાણી (ઉ.વ.૨૨)
(૨) શાન્તાબેન ઉર્ફે શીતલ રમેશભાઇ કાલુભાઇ સાંગાણી (ઉ.વ.૪૫)
(૩) રમેશભાઇ કાળુભાઇ સાંગાણી તથા
(૪) દર્શન રમેશભાઇ સાંગાણી