ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) આ સિઝનમાં હાલત ખરાબ છે. IPLમાં પાંચ વખતની ચેમ્પિયન (Champion team) મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ 8 મેચ હારી ગઈ છે. જે અત્યાર સુધીની સિઝનમાંનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. હવે મુંબઈ આ સિઝનમાંથી બહાર થવાની સંભાવના વધી રહી છે. આ વખતે જો ટીમની હાલત ખરાબ છે તો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) દરેકના નિશાના પર છે.
IPLમાં નબળા પ્રદર્શન બાદ રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ છોડવાની અટકળોએ જોર પકડ્યું છે. રોહિત શર્માએ ઈમોશનલ ટ્વીટ કરીને આ અટકળોને વેગ આપ્યો છે. રોહિતે લખ્યું, ‘આ ટૂર્નામેન્ટમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી, પરંતુ આ થઈ રહ્યું છે. ઘણા મહાન ખેલાડીઓ આ તબક્કામાંથી પસાર થયા છે પરંતુ મને આ ટીમ અને તેનું વાતાવરણ ગમે છે. તે જ સમયે, હું એવા શુભેચ્છકોની પણ પ્રશંસા કરવા માંગુ છું જેમણે અત્યાર સુધી આ ટીમ પ્રત્યે વિશ્વાસ અને સંપૂર્ણ વફાદારી દર્શાવી છે. રોહિત શર્માના આ ઈમોશનલ ટ્વીટ બાદ ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા છે અને તે પોતાના કેપ્ટનના સમર્થનમાં કોમેન્ટ કરી રહ્યા છે. પ્રશંસકો માને છે કે જીત અને હાર ટીમનો હિસ્સો છે અને તેઓ તેમના કેપ્ટન સાથે ઉભા છે.
જો મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો લીડરશિપ ગ્રુપમાં રોહિત શર્મા એકલા નથી, પરંતુ ટીમના સપોર્ટ સ્ટાફમાં અનુભવીઓની ફોજ છે. અહીં માત્ર રોહિત શર્મા પર દોષનો ટોપલો ઢોળવો કેટલી હદે યોગ્ય છે, તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટિંગ સ્ટાફમાં કુલ 18 સભ્યો છે. જેમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્ધને જેવા મોટા નામ સામેલ છે.
મુંબઈ ઈન્ડિયન્સની હારના મુખ્ય કારણો આ હોઇ શકે
- મેગા ઓક્શન બાદ ટીમનું સંતુલન બગડ્યું, નવું કોર ગ્રુપ બનાવવાનો પડકાર.
- ઓક્શનમાં જોફ્રા આર્ચર પર 8 કરોડ રૂપિયા ખર્ચાયા હતા, પરંતુ તે આ સિઝનમાં રમ્યા ન હતા.
- ઈશાન કિશન પર 15.25 કરોડનો ખર્ચ કર્યો, પ્રથમ બે દાવ બાદ બેટ સંપૂર્ણપણે શાંત.
- કપ્ટન રોહિત શર્માના બેટિંગ ફોર્મે ચિંતા વધારી.
- બોલિંગમાં જસપ્રિત બુમરાહ સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ બોલર નથી. જે રન રોકી શકે અને વિકેટ લઈ શકે.