આજના યુગનો માનવી જે મળે છે એના કરતા હંમેશા વધુને વધુ જ મેળવવાની લાલસા રાખે છે. ગમે તેટલું મેળવ્યા પછી પણ સંતોષ નથી થતો. કોઇ વ્યકિતને અગર નાની-સુની ઇજા પણ થાય છે તો તેને લાચારી ગણીને દૈનિક કાર્યો પણ કરવામાં સક્ષમ નથી રહી શકતા. જયારે એની સામે ઘણા એવાય લોકો છે જેઓ કાયમી ધોરણે પોતાનું એક અંગ ગુમાવી ચૂકયા છે અને છતાં એ પરિસ્થિતિ સ્વીકારીને એમાં પોતાની તાકાત અને દૃઢ મનોબળ વડે હાર ન માનીને સખત મહેનત કરી પોતાના ફીલ્ડમાન આગળ આવી નામના મેળવી રહ્યાં છે. તો ચાલો આજે મળીએ એવા સશકત દિવ્યાંગોને જેઓની સક્સેસ સ્ટોરી અન્યો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
સમાજમાં લોકો દિવ્યાંગો માટે નોર્મલ વ્યૂ રાખે તે જરૂરી : આકાશ લાકડાવાળા
બાળપણમાં અકસ્માતે બંને હાથ ગુમાવનાર આકાશ લાકડાવાળાએ જણાવ્યું હતું કે, મારી સાથે પરિવારના લોકો આ બાબતને એટલી ગંભીરતાથી લેતા ન હતા. જે થયું એને ભુલીને હવે આગળ શું કરવું છે અને બાળકનો ઉછેર કઈ રીતે કરવો છે તેને પ્રાધાન્ય આપ્યું હતું. સ્કૂલ અને કોલેજ કાળમાં પણ મિત્રો સારા મળ્યા અને તેને કારણે કોઈ તકલીફનો અહેસાસ જ થયો નહિ. ભણવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું અને જીવન નોર્મલ જ લાગવા મંડયું. હાલ એજ્યુકેશન લેવલે સ્કિલ ડેવલપ કરવા માટે તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં વિદ્યાર્થીઓને રોજગારી મળે તેવા પ્રોગ્રામ ઉપર મિત્રો સાથે કામ કરી રહ્યો છું. લોકો દિવ્યાંગો પ્રત્યે અલગ નજરિયો ન રાખે અને તેમને પણ નોર્મલ સમજે તો હૂંફ મળી રહેશે. બેરોજગાર દિવ્યાંગોને રોજગારી અને શિક્ષણ મળે તે દિશામાં કામ થવું જોઈએ.
દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સુરતનું ગૌરવ એટલે પ્રવીણ વાનખેડે
ક્રિકેટનો શોખ રાખતા શહેરના 42 વર્ષીય ક્રિકેટર પ્રવીણ વાનખેડેને 10 વર્ષ પહેલાં અકસ્માતમાં પગમાં થયેલી ઇજાએ દિવ્યાંગ બનાવી દીધા હતા. જોકે યુવાને તેનો શોખ જીવંત રાખવા ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું અને દિવ્યાંગ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા સુધીની સફર ખેડી નાંખી છે. પુણા બોમ્બે માર્કેટ રોડ ખાતે રહેતા પ્રવીણભાઈ વાનખેડે 10 વર્ષ પહેલાં ગેસબોટલની ડિલિવરી માટે ટેમ્પો લઈ પર્વત પાટિયા પાસેથી પસાર થતા હતા ત્યારે ટેમ્પો પલટી જતા તેમને પગમાં ઇજા થઇ હતી. પગની એડી તૂટી ગઈ હતી. ડોકટરોએ જાંઘ ના ભાગમાંથી સર્જરી કરી થોડો ભાગ એડીમાં લગાવી ત્યાં પ્લેટ બેસાડી હતી. જમણા પગમાં થયેલી ગંભીર ઇજા છતાં તેમણે ક્રિકેટની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. અને તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેચ રમી આવ્યા છે. દિવ્યાંગ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયામાં પ્રવીણ વાનખેડે સુરતથી એકમાત્ર ખેલાડી છે. 2018માં નેપાળ ખાતે રમાયેલી મેચમાં તેમના સારા પ્રદર્શન બદલ તેમને બેસ્ટ બોલર જાહેર કરાયા હતા. આ ઉપરાંત પ્રવીણ વાનખેડે હરિયાણા તેમજ રાજસ્થાનમાં અને થોડા સમય પહેલા જ દુબઈમાં રમાયેલી દુબઈ પ્રીમિયર લીગમાં પણ તેઓ મેચ રમી ચુક્યા છે.
સમાજમાં લોકો દિવ્યાંગ લોકો ઉપર ભરોસો કરે અને તેમને રોજગારી આપે : હર્ષલ રામચંદાની
દેશમાં લાખો લોકો દ્રષ્ટીહીન છે. સમાજમાં લોકો દિવ્યાંગ લોકોને સ્વીકારે અને કામ આપે તો તેમનું જીવન પણ સુધરી શકે છે. મૃત્યુ પછી રેટીનાનું દાન કરવાનું હાલ નક્કી કર્યું છે જેથી બીજાને નવું જીવન મળે. શહેરના પાલ વિસ્તારમાં રહેતા 35 વર્ષિય હર્ષલ દિલખુશભાઇ રામચંદાની છેલ્લા 11 વર્ષથી પ્રાઇવેટ તેમજ ગર્વમેન્ટના સબ કોન્ટ્રાક્ટનું કામ કરે છે. BE સિવિલનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ કન્સ્ટ્રકશનનું કામ શરૂ કરનાર હર્ષલભાઇ સને 2011માં વેસુની એક કન્સ્ટ્રકશન સાઇટ ઉપર આંખમાં ખિલ્લી વાગી ગઇ હતી. કારીગર કામ કરતો હતો ત્યાંથી ઉછળેલી ખિલ્લી સિધી હર્ષલભાઇની ડાબી આંખમાં ખુંપી ગઇ હતી તેમનું ઓપરેશન કરાયું હતું અને ફરીથી દેખાતું થઇ ગયું હતું. પરંતુ 2013માં હર્ષલભાઇને વેસુ ખાટુ શ્યામ મંદીર નજીક રોડ અકસ્માતમાં 32 ટાંકા આવ્યા હતા. તેમની બીજી આંખને પણ નુકશાન થયું અને ડાબી આંખે દેખાતું બંધ થઇ ગયું હતું.જન્મજાત દ્રષ્ટીહીન હોવું અને અકસ્માતે દ્રષ્ટીહીન થયા બાદનું જીવન અઘરૂ થઇ જતું હોય છે તેમ જણાવતા હર્ષલભાઇ રામચંદાનીએ તેમના સંઘર્ષ અને તકલીફો વચ્ચે પણ લોકોને મદદ કરવાના આશયથી લેબર કોન્ટ્રાક્ટ ચાલું રાખ્યા છે. તેમણે દર મહિને ભારતની સૌથી મોટી ચૈન્નઇમાં આવેલી શંકર નેત્રાલયમાં પણ આંખની સારવાર કરાવી હતી પરંતુ દ્રષ્ટી પાછી આવી ન હતીઇ હર્ષલભાઇ કન્સ્ટ્રકશન સાઇટ ઉપર 300 થી 400 મજુરોને સંભાળે છે. મોબાઇલ ઉપર ટોકબેક એપ્લીકેશન કે જે બ્લાઇન્ડ લોકો ઉપયોગ કરે છે તેના થકી રૂટીન લાઇફમાં લોકો સાથે વાત-ચીત તેમજ મેસેજો સાંભળવા સાથે સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ કરે છે.