સુરત: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ ભરૂચ (Bharuch) , સુરત (Surat) ગ્રામ્ય, નવસારી (Navsari) સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અને કેટલાય વિસ્તારોમાં માવઠું (Mawthu) થયું હતું. જેને કારણે શાકભાજી અને શેરડીનો પાક લેનારા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.
- કમોસમી વરસાદને (Unseasonal Rain) કારણે શાકભાજી અને શેરડીનો પાક લેનારા ખેડૂતોમાં ચિંતા
બારડોલીમાં વહેલી સવારે ગાજવીજ સાથે માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. ખાસ કરીને કેરી અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ હતી. જો કે, અતિ હળવાથી હળવો વરસાદ થયો હોવાથી કોઈ ખાસ નુકસાન થવાની સંભાવના નહીંવત હોવાનું જાણકારી મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વહેલી સવારે થોડા સમય માટે વરસાદી છાંટા પડવાથી મહત્તમ તાપમાનનો પારો નીચો જતાં થોડા અંશે લોકોને ગરમીથી રાહત મળી હતી. સવારની પહોરમાં જ સૂર્યોદય થાય એ પહેલાં ઇન્દ્ર દેવની પધરામણી થતાં વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. થોડા સમય માટે પડેલા વરસાદી છાંટાથી બારડોલી શહેરના રસ્તા ભીંના થઈ ગયા હતા.
મહુવા તાલુકામાં વાતાવરણમાં બદલાવ સાથે વરસાદી છાંટણા થયા હતા. તાલુકામાં ગરમી તો ઓછી થઈ, પરંતુ ખેડતોના ચહેરા પર ચિંતાનો પરસેવો થઈ રહ્યો છે. કોરોનાકાળમાંથી માંડ માંડ બેઠા થયા છે, ત્યારે અભિશાપ બનેલા આ માવઠાથી કેરીના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. તો શાકભાજીના પાકમાં થનાર નુકસાનથી આર્થિક ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં વહેલી સવારે કાળાડિબાંગ વાદળોની ફોઝ વચ્ચે એક સમયે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં કેરી, લીંબુ, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવવા લાગી હતી. ભરૂચ જિલ્લાનો અંતરિયાળ એવો નેત્રંગ તાલુકામાં મોટા ભાગે લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવામાં ગુરુવારે અચાનક વરસેલા માવઠાથી તેઓના પાકને નુકસાની થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે, વધુ સમય સુધી માવઠું ન રહેતાં ખેડૂતોએ રાહત પણ અનુભવી હતી.
વહેલી સવારે સુરતમાં છૂટાછવાયાં ઝાંપટા પડ્યા
- બપોરે આકરી ગરમી અને ઉકળાટથી શહેરીજન પરેશાન થયા
- વાદળછાંયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો
સુરત: શહેરમાં ગઈકાલથી આબોહવાકીય ફેરફારને લીધે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો નોંધાતા બપોરે આકરી ગરમી અનુભવાઈ હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના ઘણા વિસ્તારમાં સવારે વરસાદી ઝાંપટા પડ્યા હતાં.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી તરફથી આવતા પવનો અને અરબ સાગરમાંથી આવતા પવનોને લીધે વાતાવરણમાં એકાએક ફેરફાર થયો છે. બે દિવસથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. આગામી 24 કલાક તેની અસર રહેવાની સંભાવના છે. આજે ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો હોય તેમ વાદળો આકાશમાં છવાયા હતા. શહેરના ડિંડોલી, ખરવાસા, સરથાણા, વરાછા, વેસુ સહિતના ઘણા વિસ્તારોમાં હળવું વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રી વધારો થતા 39.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધીને 27 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં હવામાં 36 ટકા ભેજની સાથે 5 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો.