એક અતિ શ્રીમંત અને અતિ અતિ અભિમાની શેઠ.એટલું અભિમાન કે રાવણનું અભિમાન પણ ઓછું લાગે અને શેઠ સાવ નાસ્તિક, ભગવાનમાં માને નહિ.પોતાના પૈસાનું એટલું અભિમાન કે બધાની સાથે સાથે ભગવાનને પણ નગણ્ય ગણે.તેમની સામે ભગવાનનું નામ પણ ન લઇ શકાય.ભારોભાર અભિમાનને કારણે સ્વભાવ પણ એકદમ ખરાબ.પોતાના અહંને જ પોષતા રહે.પોતાની પાસે રહેલા અપાર ધનની અને પોતાની આપબડાઈ શેઠ કરતાં રહે.પોતે પોતાની શક્તિઓ દ્વારા કેટલી સિધ્ધિઓ મેળવી તેની ગણના સતત તેઓ બધા પાસે કરાવે અને શેઠ એમ જ સમજે કે પૈસો જ સર્વસ્વ છે.પૈસો જ ભગવાન છે.
અભિમાની શેઠને ત્રણ જ પ્રિય વસ્તુઓ, એક પોતાનું અભિમાન, બીજા પૈસા અને ત્રીજો પોતાનો કૂતરો ટોમી.એક દિવસ ટોમીએ તેમની જાન બચાવી હતી ત્યારથી શેઠ ટોમીને પોતાના સંતાનની જેમ વ્હાલ કરે.શેઠને કોઈ સંતાન હતું નહિ.ટોમી પર જ તેઓ પોતાનો બધો પ્રેમ વરસાવે. એક દિવસ તેમનો વ્હાલો,જાનથી પ્યારો ટોમી અચાનક માંદો પડી ગયો.શેઠે તેના ઈલાજ માટે પાણીની જેમ પૈસા વહાવ્યા.જ્યાં કહ્યું ત્યાં લઇ ગયા.પણ ટોમી બચ્યો નહિ.અપાર ધન હોવા છતાં તે ધન તેમના વ્હાલા ટોમીને બચાવી શક્યું નહિ.શેઠને જબ્બર આઘાત લાગ્યો.શેઠને પહેલી વાર હકીકતનું ભાન થયું કે પૈસા સર્વશક્તિમાન નથી.પૈસાથી કદાચ જીવનમાં સગવડ ખરીદી શકાતી હશે, પણ જીવનની એક ક્ષણ પણ ખરીદી શકાતી નથી. ગમે તેટલા પૈસા હોય, મનુષ્યનો મૃત્યુ ઉપર કોઈ કાબૂ નથી.પોતાની અખૂટ દોલતનું અભિમાન ધરાવતા શેઠને હવે સમજાયું કે આ પૈસા, પ્રતિષ્ઠા, સિદ્ધિ, સફળતા એ જીવનનો એક ભાગ છે, પણ જીવનનું એક માત્ર ધ્યેય નથી.
વ્હાલા ટોમીના મૃત્યુએ શેઠની આંખો ખોલી નાખી અને શેઠને જીવન લક્ષ્ય આપ્યું.રાતોરાત શેઠે પોતાનો જીવનક્રમ બદલી નાખ્યો.શેઠે પોતાની બધી સંપત્તિનું એક મોટું ટ્રસ્ટ બનાવ્યું અને પ્રભુને સોંપી શેઠ પાછું જોયા વિના સઘળું છોડી ચાલવા લાગ્યા.એક મિત્રે રોક્યા કે ‘સાવ આમ ન જવાય, આ ટ્રસ્ટ બન્યું તે સારી વાત છે પણ ટ્રસ્ટની સંભાળ રાખવા અને તેનો વહીવટ સંભાળવા રોકાઈ જાવ.’શેઠ બોલ્યા, ‘જીવનભર પૈસાના વહીવટ બહુ કર્યા, હવે જિંદનો વહીવટ કરવો છે.’મિત્ર બોલ્યા, ‘તમારી મિલકત….’ શેઠ બોલ્યા, ‘મારો ભ્રમ ભાંગી ગયો છે.મારું કંઈ નથી. બધું સમાજને અને ભગવાનને સમર્પિત કરી દીધું છે. હવે હું મરી જાઉં તે પહેલાં બીજી મિલકત કમાવાની છે.’શેઠ જીવનમાં કરેલી ભૂલો સુધારી, પ્રભુ ભક્તિ માર્ગે બાકીનું જીવન જીવ્યા.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.