ભરૂચ: (Bharuch) ભરૂચની એક મહિલાને ધાર્મિક ચેનલ (Religious Channel) ઉપર જોયેલી ઇસ યુગ કા સમાધાનની જાહેરાત રૂ.૨.૮૪ લાખની પડી હતી. જો કે, સી ડિવિઝન પોલીસે સાયબર ક્રાઈમનો (Cyber Crime) ભોગ બનેલી મહિલાને રૂ.૨.૮૪ લાખ પરત અપાવ્યા હતા.
- સોસાયટીમાં શ્વાનોથી સમાધાન મેળવવા જાહેરાત જોઈ સંપર્ક કર્યો
- પતિ-પુત્ર ઉપર સંકટ હોવાનું કહી વિધિના નામે રૂપિયા પડાવી લીધા
- પોલીસે UP ઇલ્હાબાદ BOB બ્રાન્ચમાં ઇ-મેઇલ કરી ડેબિટ ફ્રીઝ કરાવ્યું
સાયબર ક્રાઈમ અંગે સાવધાન રહેવા પોલીસ, પ્રશાસન અને સરકાર લોકોને વખતો વખત અનેક રીતે માહિતગાર કરે છે, પણ તેમ છતાં લોકો ઠગોની માયાજાળમાં ભેરવાઈ જાય જ છે. આવો જ એક કિસ્સો ભરૂચમાં બન્યો હતો. ભરૂચની એક મહિલા સોસાયટીમાં શ્વાનોથી હેરાન પરેશાન હતી. જેને એક ધાર્મિક ચેનલ ઉપર ઇસ યુગ કા સમાધાનની જાહેરાત જોઈ અને આપેલા સંપર્ક નંબર ઉપર ફોન કર્યો હતો. કૂતરાઓની હેરાનગતિથી ત્રસ્ત મહિલાને સામેવાળા ભેજાબાજે પુત્ર અને પતિ ઉપર જોખમ હોવાની વાત કહી દીધી હતી. અને મહિલાને વિધિના નામે રૂ.૨.૮૪ લાખ પડાવી લેવાયા હતા. બાદ વધુ રૂપિયાની માંગણી થતાં અંતે મહિલાને છેતરપિંડી થઈ હોવાનું માલૂમ થયું હતું.
અંતે સી ડિવિઝન પોલીસમથકે મહિલાએ સંપર્ક કરતાં પોલીસ મદદે આવી હતી. મહિલાએ ઉત્તરપ્રદેશના અલ્હાબાદના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસે ઇ-મેઇલ કરી બ્રાન્ચમાં ડેબિટ ફ્રીઝ કરાવતાં મહિલાને રૂ.૨.૮૪ લાખ 2 લાખ પરત મળ્યા છે.
ભરૂચમાં રાઘવ કોમ્પ્ક્સમાં ભંગારની દુકાનમાં LCBના દરોડા
ભરૂચ: ભરૂચના રાઘવ કોમ્પ્લેક્સ ભંગારની દુકાનમાંથી ગેરકાયદે ગેસનો બોટલો, સ્ટેનલેસ સ્ટીલની નાની મોટી પ્લેટો, કોપરના તાર મળીને રૂ.૨૮,૫૭૦ મત્તાનો મુદ્દામાલ સાથે એક ઈસમને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ LCB પોલીસના ઇનચાર્જ PI બી.એન.સગર સહિતની ટીમ ભંગારિયાઓને ચેક કરતી હતી. પોલીસને ચોક્કસ બાતમીના આધારે ભંગારનું કામ કરતો નાથુલાલ પ્યારચંદ ગોલીવાલ (રહે.,રાજીવનગર, આશ્રય સોસાયટીની પાસે)ની ભરૂચમાં ભોલાવ ફાટક પાસે રાઘવ કોમ્પ્લેક્સમાં ભંગારની દુકાન તપાસતાં અન્ય પુરાવા વગર ભારત ગેસનો બોટલ-૨ કિંમત રૂ.૪૦૦૦, સ્ટેનલેસ સ્ટીલની નાની-મોટી પ્લેટો, વાલ્વ નંગ-૧૩ કુલ વજન ૬૨ કિ.ગ્રા., કિંમત રૂ.૭૪૪૦, લોખંડના સળિયા કુલ વજન ૭૮ કિ.ગ્રા. કિંમત રૂ.૨૭૩૦, કોપરના તાર કિંમત રૂ.૩૬૦૦, એક મોબાઈલ રૂ.૧૦,૫૦૦ મળીને કુલ રૂ.૨૮,૫૭૦ મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે ભરૂચ A ડિવિઝન પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.