સુરત: (Surat) સચીન જીઆઈડીસી (Sachin GIDC) સેઝમાં (SEZ) આવેલી કાનાણી ઈન્ડસ્ટ્રીઝ (Kanani Industries) લીમીડેટ કંપનીમાં ત્રણ અજાણ્યાઓએ કંપનીના ટેરેસના રૂમમાં રીફાઈનરી માટે રાખેલી 22.7 લાખની સોના-ચાંદીના ડસ્ટની (Gold Dust) ચોરી કરી ફરાર થયા હતા. સચીન જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સેઝમાં પ્લોટ નં-૪૨માં કાનાણી ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની આવેલી છે. આ કંપનીમાં ગત 11 તારીખે મધ્ય રાત્રે ત્રણ અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. કંપનીના પાછળના ભાગેથી પહેલા માળની બારીમાંથી પ્રવેશ કરી કંપનીના ટેરેસના રૂમમાં ગયા હતા અને ત્યાં રાખેલો 300 ગ્રામ સોનાનો ડસ્ટ જેની કિંમત રૂપિયા 15 લાખ રૂપિયા તથા 600 ગ્રામ ચાંદીની ડસ્ટ જેની કિંમત રૂપિયા 7.75 લાખ રૂપિયા મળી કુલ 22.75 લાખની સોના-ચાંદીની ડસ્ટની ચોરી કરી હતી. આ ડસ્ટનો જથ્થો વી.ઍમ. ક્રિઍશન કંપની દ્વારા રીફાઈનરી માટે રાખવામાં આવ્યો હતો. બનાવ અંગે કંપનીના હાર્દિક અતુલભાઈ ગાબાણી (રહે, રાધે રેસીડેન્સી, મનીષા ગરનાળાની બાજુમાં, ઉતરાણ, મોટા વરાછા)એ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઈચ્છાપોરની કે.પી. સંઘવીમાંથી કારીગરોએ ગોલ્ડ ડસ્ટ ચોર્યું
આ અગાઉ ગયા અઠવાડિયે ઇચ્છાપોર ગામ ખાતે ગુજરાત હિરા બુર્સમાં આવેલી કે.પી.સંઘવી જ્વેલર્સ પ્રા.લી.માં નોકરી કરતા 33 વર્ષીય પ્રિતેશકુમાર ચંપકભાઇ પટેલે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફેક્ટરીમાં ગોલ્ડ, સિલ્વર ડાયમંડ જ્વેલરીને લગતી ઘરેણા બનાવવાનું પ્રોસેસિંગ અને પોલીસિંગનું કામ થાય છે. પ્રિતેશે તેના શેઠના કહેવાથી એકાઉન્ટ પાસે ફ્રેબુઆરી મહિનાનો રીફાઇડીંનીગ લેબમાં પ્રોસેસિંગ કરવા માટે મોકલેલા સોનાનો ડસ્ટ પાવડરની રીકવરી ચેક કરાવી હતી. જેમાં ગ્રાઉન્ડ અને સેકન્ડ ફ્લોર વિભાગોનું પોલીસિંગ, સેટીંગ, ફાઇલિંગ, રોલીંગનું પ્રોસેસ માટે મોકલેલા હતા. જે કુલ્લે 122 કિલો 439 ગ્રામ સોનાનો ડસ્ટ પાવડર રિફાઇનિંગ કરવા માટે મોકલ્યો હતો. જેમાંથી કુલ્લે 5 કિલો 275 ગ્રામ સોનું રી-પ્રોસેસિંગ થઇને મળવું જોઈએ. જેના બદલે 4 કિલો 772 ગ્રામ જેટલું જ સોનુ રી-પ્રોસેસિંગ થઇને મળ્યું હતું. અને 502 ગ્રામ જેટલુ સોનું મળ્યું ન હતું.
જેથી તપાસ કરતા આ સોનું કંપનીના જુના કર્મચારી સાથે મળીને હાલના કર્મચારીઓએ મુંબઈના એક મારવાડી દંપત્તિને સોનું આપી રોકડ મેળવી લેતા હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે સુનિલકુમાર આનકાપ્રસાદ મિશ્રા (રહે, ઇચ્છાપોર ગામ તા.ચોર્યાસી), વિનોદ રાજકરણ બિંન્દ (રહે, નવા ગામ, ડિડોલી), રાજમણી રામસહાય (રહે, ઇચ્છાપોર ગામ, સાયણ ટેક્ષ્ટાઇલ્સ પાર્ક, વેલપાર્કમાં વર્કર હોસ્ટેલ રૂમ નં-૨૦૩ સુરત), શ્રીપ્રકાશ જગદંબા પ્રસાદ (રહે, ઇચ્છાપોર ગામ, સાયણ ટેક્ષ્ટાઇલ્સ પાર્ક, વેલપાર્કમાં વર્કર હોસ્ટેલ રૂમ નં-૨૦૩ સુરત), રાજુસીંગ નન્કુસિંહ સિકરવાર (રહે, વરાછા ગીતાંજલી પાસે સુરત), ચંદન સિંધુકુમાર મિશ્રા (રહે, ઇચ્છાપોર ગામ, તા.ચોર્યાસી) તથા મુંબઈના મારવાડી વેપારી દંપતિ સામે ફરિયાદ નોંધી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.