SURAT

કોરોનાના નવા વેરિયન્ટ XE અંગે શું કહે છે સુરતના તબીબો જાણો..

સુરત : કોરોના (Corona) વાયરસનો (Virus) નવો વેરિયન્ટ XE અગાઉના વેરિયન્ટ કરતા ઝડપથી સ્પ્રેડ (Spread) થતો હોવાનું શહેરના ઇન્ફેક્શન (Infection) સ્પેશ્યાલિસ્ટો જણાવી રહ્યા છે. જોકે XE વેરિયન્ટ અગાઉના વેરિયન્ટ કરતા વધુ ઘાતક નથી.

ભારતમાં કોરોના મહામારી શરૂ થઇ તેને અઢી વર્ષનો સમય વીતી ગયો છે. હાલ કોરોનાનું સંક્રમણ ઓછુ થયું છે. જોકે નવા વેરિયન્ટને લઇ ફરીથી આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. વડોદરામાં નવા વેરિયન્ટનો એક કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર સાબદુ થઇ ગયું છે ત્યારે આ વેરિયન્ટ કેટલો ઘાતક છે તેનો અભ્યાસ તબીબોએ શરૂ કરી દીધો છે. XE વેરિયન્ટ અંગે વાત કરતા શહેરના ઇન્ફેક્શન (Infection) સ્પેશ્યાલિસ્ટ ડો. પ્રતિક સાવજે જણાવ્યું હતું કે, વર્ષ 2020થી દેશમાં કોરોના મહામારી શરૂ થઇ હતી. કોવિડ-19 અને ત્યારબાદ એક પછી એક વેરિયન્ટ આવતા ગયા હતા. આ તમામ વેરિયન્ટ કરતા હાલમાં આવેલો XE વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાય તેવું છે. જોકે તે પાછલા વેરિયન્ટ કરતા ઓછો ઘાતક ગણવામાં આવી રહ્યો છે.

XE વેરિયન્ટ ફેલાવવાની શક્યતા 10 ગણી : ડો.સમીર ગામી, ટી.બી. એન્ડ ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ
શહેરનાં ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ડો.સમીર ગામીએ ઓમિક્રોનના સબ વેરિયન્ટ XE કેટલો ફેલાય શકે અને તે કેટલો નુકશાનકારક છે તે અંગે જણાવ્યું હતું કે, પાછલા વેરીયન્ટ કરતા આ નવો વેરિયન્ટ ઘાતક ઓછો છે પણ તેની ફેલાવાની શક્યતા 10 ગણી છે. પ્રિકોશન રાખવું ખુબ જરૂરી છે. ત્રણથી ચાર અઠવાડીયામાં સ્પ્રેડીંગ થવાની પણ શક્યતા છે.

ગભરાવાની જરૂર નથી પણ કાળજી રાખવી જરૂરી : ચિરાગ છતવાણી, ઇન્ફેકશન સ્પેશ્યાલિસ્ટ
ડો.ચિરાગ છતવાણીએ XE વેરિયન્ટ અંગે જણાવ્યું હતું કે, તે ટ્રાન્સમિટ ઝડપથી થવાની શક્યતા છે. પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી. કાળજી રાખવી ખુબ જરૂરી છે. આ સ્ટ્રેન ઓમિક્રોનનો છે. હજી બીજા બે સ્ટ્રેન પણ બીએ5 અને બીએ6 આવ્યા છે પણ તે હજુ સુધી ક્લિયર થઇ શક્યા નથી.

કોરોનાનાં ડેલ્ટા વેરિયન્ટની સેવરિટી વધારે હતી પણ સ્પ્રેડીંગ ઓછુ : ડો.પ્રતિક સાવજ ઇન્ફેક્શન સ્પેશ્યાલિસ્ટ
કોરોનાના એક પછી એક વેરિયન્ટે તબીબોની સાથે સાથે લોકોની પણ ચિંતા વધારી છે ત્યારે ત્રણેય નવા વેરિયન્ટ અંગે ડો. પ્રતિક સાવજે જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિયન્ટ ખુબ જ ઘાતક હતો. જોકે તેનું સ્પ્રેડીંગ ઓછું હતું.

બીએટુ તે લંગ્ઝ પર એટેક કરે છે. તેથી થોડુ ગંભીર થવુ અનિવાર્ય : ડો પારૂલ વડગામા
ઓમિક્રોમના સબ વેરિએન્ટ બીએટુનું સ્પ્રેડીંગ વધારે છે. લંગને ડેમેજ કરે છે. લંગ્સમાં જાય એટલે ગંભીર કહી શકાય. અલબત હાલમાં કાંઇ વધારે કહેવુ તે અતિશ્યોક્તિ ભરેલું કહી શકાય તેમ છે. બીએ-2નુ ઇન્ફેક્શન ગંભીરતાથી લેવુ પડે તેમ છે. હાલમાં આ વાયરસની ઘાતકતા વિશે વધારે કહી શકાય તેમ નથી. ઓમિક્રોમનું સબ વેરિયન્ટ છે. તેથી આમ તો ગભરાવા જેવુ નથી. દેશમાં થયેલા રસીકરણને કારણે હાલમાં કોવિડ વાયરસ વિશે ગભરાવા જેવુ નથી.

ઓમિક્રોનની સેવરિટી માઇલ્ડ હતી પણ સ્પ્રેડીંગ વધારે
ડેલ્ટા બાદ ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો હતો. જોકે ઓમિક્રોનની સેવરિટી (ઘાતકતા) ડેલ્ટા કરતા ઓછી હતી. પરંતુ તેનું સંક્રમણ ઝડપથી ફેલાયું હતું. ઓમિક્રોનનું સ્પ્રેડીંગ ડેલ્ટા કરતા વધારે હતું.

XE વેરિયન્ટની ઘાતકતા ઓછી પણ સ્પ્રેડીંગ ખુબ વધારે થઇ શકે
ઓમિક્રોનના સબ વેરિયન્ટ અને ઓમિક્રોનના BA1, BA2નું મિશ્રણ માનવામાં આવતા XE વેરિયન્ટની ઘાતકતા ખુબ જ વધારે હોવાનું નિષ્ણાંત તબીબ જણાવી રહ્યા છે. આગળના વેરિયન્ટ ઓમિક્રોનની જેમ આ વેરિયન્ટ પણ માઇલ્ડ છે. પરંતુ તેનું સ્પ્રેડીંગ ખુબ જ ઝડપથી થઇ શકે છે.

Most Popular

To Top