ઘેજ : ચીખલી(Chikhli)ની પ્રાથમિક શાળા(Primary School)ના શિક્ષકો(teachers)નાં માનવતા ભર્યા કામની ચારેય તરફ વાહવાહી થઇ રહી છે. ચીખલી તાલુકાના ઘોડવણીમાં ખેતરમાં અકસ્માતે દાઝી ગયેલા શ્રમજીવી પરિવારના ૧૧ વર્ષીય દીકરાની સારવાર માટે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ૨.૬૭ લાખ રૂપિયાની રકમ એકત્ર કરી મદદરૂપ થતા પરિવારને મોટી રાહત થઇ હતી. શિક્ષકોએ ફરજ સાથે માનવતાની મહેક પ્રસરાવી હતી.
- દાઝી ગયેલા શ્રમજીવીના દીકરાની સારવાર માટે શિક્ષકોએ ૨.૬૭ લાખ એકત્ર કર્યા
- શિક્ષકોએ ફરજ સાથે માનવતાની મહેક પ્રસરાવતા ઘોડવણીના પરિવારને મોટી રાહત થઇ
ફેબ્રુઆરી માસમાં ઘોડવણી પ્રાથમિક શાળામાં ધોરણ-૫ માં અભ્યાસ કરતો આનંદ મિનેશભાઇ પટેલ તેમના પરિવારના સભ્યો સાથે ખેતરમાં ગયો હતો અને ત્યાં કચરો સળગાવવા જતા આગે તેને જ ઝપેટમાં લઇ લેતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ટી-શર્ટ સળગી જતા જોત-જોતામાં ૫૦ ટકાથી વધુ દઝાઇ જતા તેને સારવાર અર્થે વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ શ્રમજીવી પરિવાર પર અણધારી આફત આવી પડતા સ્થિતિ કફોડી બની હતી અને સારવારના ખર્ચ માટે આ પરિવારે જમીન પણ વેચી દીધી હતી. પરંતુ તેમ છતાં પહોંચી શકાય તેમ નહીં હોવાથી સોશિયલ મીડીયાના માધ્યમથી મદદ માટે આ પરિવારે અપીલ પણ કરી હતી.
શિક્ષકોએ પૈસા ભેગા કરી માનવતા મહેકાવી
આ દરમ્યાન પોતાના વિદ્યાર્થીની સારવાર માટે શિક્ષકો આગળ આવ્યા હતા. અને મદદરૂપ થવાની મુહિમ ચલાવાતા સારવણી, ગોડથલ, મીયાંઝરી, ફડવેલ, રૂમલાના શિક્ષકો અને બીઆરસી, સીઆરસી કો-ઓર્ડિનેટરો મળી કુલ ૨,૬૭,૮૮૭ રૂપિયા જેટલી રકમની મદદ પહોંચાડી હતી. આ રકમ શિક્ષકો દ્વારા આનંદના પિતાના બેંક ખાતામાં ઓનલાઇન અને રોકડા દ્વારા જમા કરાવાઇ હતી. આમ, પ્રાથમિક શિક્ષકો દ્વારા પોતાના ફરજ ધર્મ સાથે સેવાધર્મ પણ નિભાવી માનવતાની મહેક પ્રસરાવતા અનેક લોકો શિક્ષકોની ભાવનાને બિરદાવી રહ્યા છે. હાલે આનંદને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેની તંદુરસ્તી સારી હોવાનું જાણવા મળ્યું હતું.