સુરત: (Surat) રાંદેર ખાતે રહેતા પિતરાઈ ભાઈ-બહેન અને અન્ય દૂરના સંબંધના ચાર ભાઈ-બહેન અઠવાડિયાથી ગુમ (Missing) હતા. રાંદેર પોલીસે (Police) તેમની સામે ફરિયાદ નોંધી તપાસ કરતા ચારેય વલસાડથી જ મળી આવ્યા હતા. ચારેય જણા ઘરમાંથી 10 હજાર લઈને ફરવા નીકળ્યા હતા. રૂપિયા (Money) પુરા થઈ જતા ઘરે મા-બાપને ફોન કરીને પરત ઘરે આવી ગયા હતા.
રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર ખાતે એસએમસી આવાસમાં રહેતા દીનેશભાઈ ધોલારામ ભાટની પુત્રી જ્યોતિ (ઉ.વ.16) તેમના વેવાઈની ભત્રીજી મુસ્કાન (ઉ.વ.15) અને તેમના પિતરાઈ ભાઈ મુકેશનો પુત્ર વિકાસ (ઉ.વ.17) અઠવાડિયા પહેલા ગુમ થયા હતા. તથા તેમનો કતારગામ ખાતે રહેતો સંબંધી આકાશ (ઉ.વ.19) પણ તેમની સાથે ગુમ હતો. પોલીસે ચારેય ગુમ થયાની ફરિયાદ નોંધી તપાસ કરતા ચારેય સુરત સ્ટેશનથી ટ્રેનમાં બેસી વલસાડ જતા અને વલસાડમાં ટ્રેનમાંથી ઉતરતા નજરે પડે છે. દરમિયાન બંને કીશોરીઓએ તેમના માતા-પિતાને ફોન કરીને આજે તેઓ વલસાડમાં જ હોવાની જાણ કરી હતી. જેથી પોલીસે તેમને સહીસલામત સુરત ખાતે લાવી પુછપરછ કરતા ચારેયે ફરવા જવાનું નક્કી કર્યું હતું. અને વિકાસ અને આકાશ બંને પાસે 10 હજાર રૂપિયા હતા. તેઓ ફરવા માટે નીકળી જતા વલસાડ પહોંચી ત્યાં જ રોકાયા હતા. તેમની પાસેના રૂપિયા પુરા થઈ જતા ઘરે જાણ કરી હતી.
બ્લેક ફિલ્મ લગાવી ફરતા કારચાલકો સામે પોલીસની કાર્યવાહી
સુરત: શહેર પોલીસ દ્વારા મંગળવારે શહેરમાં બ્લેક ફિલ્મ લગાવી ફરતા કારચાલકો તથા નંબર પ્લેટ વગર ફરતા વાહનચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતાં ૩૦૨ જેટલા કેસ કરી ૧.૫૧ લાખ દંડ વસૂલ્યો હતો. જ્યારે ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરતી કે નંબર પ્લેટ વગર ફરતા વાહનચાલકો સામે ૩૯૮ કેસ કરી ૧.૨૧ લાખ દંડ વસૂલાયો હતો.
શહેરના પોલીસ સ્ટેશનો અને પોલીસ કમિશનર ભવન કેમ્પસમાં ઘણી કાર બ્લેક ફિલ્મ લગાવીને ઊભી હોય છે. આ કારોમાં નંબર પ્લેટ પણ લગાવાઈ હોતી નથી. પરંતુ પોલીસને એમના જ પ્રીમાઈસીસમાં ઊભી રહેતી આવી ગાડીઓ દેખાતી નથી. અને મંગળવારે શહેરમાં આવી બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહનચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજી દંડ વસૂલાયો હતો, જેમાં વિવિધ વિસ્તારમાં પોલીસે ૩૦૨ વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. અને તેમની પાસેથી ૧.૫૧ લાખનો દંડ વસૂલ્યો હતો. જ્યારે ફેન્સી નંબર પ્લેટ વગાવતા અને નંબર પ્લેટ વગર ફરતા ૩૯૮ વાહનચાલક સામે કાર્યવાહી કરી ૧.૨૧ લાખનો દંડ વસૂલાયો હતો.