સુરત (Surat) : છેલ્લા એક મહિનાથી પાકિસ્તાનમાં (Pakistan) ભારે રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી અને તેની વચ્ચે ઇમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઇ જતાં તેમણે વડા પ્રધાનનું (Prime Minister) પદ છોડવું પડ્યું હતું. હવે શાહબાઝ શરીફે પાકિસ્તાનના (Pakistan) નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા છે ત્યારે સુરતની એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી થઇ જાય છે. તેનું કારણ એ છે કે, સુરતમાં પણ એક પાકિસ્તાની મહોલ્લો હતો. આ મહોલ્લો આજે પણ રામનગરમાં હયાત છે. જો કે, 1997માં ઠરાવ કરીને તે વિસ્તારનું નામ સિંધુ વાડી કરી નાંખવામાં આવ્યું છે.
જે દેશનો દરેક ભારતીયો વિરોધ કરતાં હોય અને આપણે એવું કહેવું પડે કે હું પાકિસ્તાની મહોલ્લામાં રહું છું. તો તે સ્વાભાવિક રીતે જ કોઇ પણ હિન્દુસ્તાનીને નહીં ગમે. પરંતુ હકીકત એ છે કે, સુરતના (Surat) રામનગર વિસ્તારમાં એક મહોલ્લાનું નામ પાકિસ્તાની મહોલ્લો હતો. તેનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે, અહીં રહેતા સિંધી (Sindhi) સમાજના લોકો ભારતના ભાગલા વખતે પાકિસ્તાન છોડીને અહીં રહેવા આવી ગયા હતાં. આ અંગે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાજપના અગ્રણી અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે, 1997માં તેઓ જ્યારે કોર્પોરેટર (Corporator) હતાં ત્યારે સુરત મહાનગર પાલિકામાં (SMC) ઠરાવ કરીને આ મહોલ્લાનું નામ બદલીને હેમુ કાલાણી ચોક કરી નાંખવામાં આવ્યું છે. હેમુ કાલાણી સિંધી સમાજના સ્વતંત્ર સેનાની હતા અને તેમના નામ ઉપરથી આ ચોકનું નામકરણ કરવામાં આવ્યું હતું. તો એસએમસીમાં થયેલા ઠરાવ પ્રમાણે હવે આ વિસ્તાર સિંધુ વાડી તરીકે ઓળખાઇ છે.
સચિન જીઆઇડીસીમાં પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ હતા
જૂના સુરતની વાત તો જુદી છે પરંતુ થોડા વર્ષો અગાઉ જ વિકસાવવામાં આવેલી સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) પણ બાંગ્લાદેશ ((Bangladesh) અને પાકિસ્તાનના નામથી બે મોટા વિસતાર ઓળખાતા હતા. આ અંગે સચિન નોટિફાઇડના ચેરમેન મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા જ સચિન જીઆઇડીસીમાં બાંગ્લાદેશથી ઓળખાતા વિસ્તારનું નામ બદલીને સરદાર વલ્લભભાઇ પટેલ ઝોન કરી નાંખવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાનના નામથી ઓળખાતા વિસ્તારનું નામ બદલીને સુભાષચંદ્ર બોઝ ઝોન કરી નાંખવામાં આવ્યું છે.
આ ટેનામેન્ટ બાંગ્લાદેશ તરીકે ઓળખાઇ છે
સુરતના નવાપુરા વિસ્તારમાં આવેલી ગોલવાડ અને ગધેવાનની વચ્ચે એક ટેનામેન્ટ આવેલું છે. ડીકેએમ પોલીસ ચોકીની સામે આવેલું આ ટેનામેન્ટ બાંગ્લાદેશ તરીકે ઓળખાઇ છે. આ અંગે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, આશરે 50 વર્ષ પહેલા રસ્તો પહોળો કરવા માટે કોટસફિલ રોડ ઉપર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તે સમયે જેમણે દુકાન અને મકાન ગુમાવ્યા હતાં તેમને પ્લોટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, આ પ્લોટ દૂર હોવાથી વિસ્થાપિતો ત્યાં જવા માંગતા ન હતાં. જેના કારણે તેમને ગોલવાડની પાછળ ટેનામેન્ટ બનાવી આપવામાં આવ્યું હતું. પરંતુ તે ગોલવાડની બહાર હોવાથી અસરત્રસ્તો એવો બળાપો કાઢતા હતા કે, અમને તો બાંગ્લાદેશ મોકલી આપ્યા છે. ત્યારથી આ ટેનામેન્ટ બાંગ્લાદેશ ટેનામેન્ટ તરીકે ઓળખાઇ છે.