આણંદ : આંકલાવના કોસીન્દ્રા અને જીલોડ ગામે ત્રાટકેલા તસ્કરો સાત ઉપરાંતની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોસીન્દ્રાના આરીકારી મંદિર નજીક રહેતા રાવજીભાઈ તળપદા ખેતી કરી જીવન ગુજારે છે અને તેમની સાથે તેમના ત્રણ પુત્ર પણ પરિવાર સાથે રહે છે. તેઓ 8મી એપ્રિલની રાત્રે પરિવાર સાથે પોત પોતાના રૂમમાં સુઇ ગયાં હતાં. તેમનો મોટો પુત્ર ગોપાલ ચારેગ વાગ્યે જાગ્યો તે સમયે તેના રૂમનો દરવાજો બહારથી બંધ હતો. આથી, તેણે બીજા પુત્ર જગદીશને ફોન કરી દરવાજો ખોલાવ્યો હતો. આ ધમાલમાં પરિવાર જાગી ગયો હતો ઘરમાં તપાસ કરતાં બેઠક રૂમમાં લાકડાના કોર્નરના તમામ ડ્રોઅર ખુલ્લા હતા અને મંિદરવાળી રૂમમાં જોતા તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર પડેલો હતો. અન્ય તિજોરીમાં તપાસ કરતાં તેમાં મુકેલા દાગીના કિંમત રૂ.65 હજાર અને રોકડ રૂ.2.15 લાખ ચોરી થયાનું જણાયું હતું. આ ઉપરાંત ઘરની બહાર મુકેલું બાઇક પણ ગાયબ હતું. આમ તસ્કરો રોકડ, દાગીના મળી કુલ રૂ.ત્રણ લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. જોકે, તેઓ ઘટના સ્થળે બાઇક છોડી જતાં રહ્યાં હતાં.
આ ઉપરાંત જીલોડ ગામે ચમારા ધક્કા પાસે કનુભાઈ શનાભાઈ સોલંકી તેમના પત્ની, બે દિકરા સાથે રહે છે. 8મી એપ્રિલના રોજ રાત્રે જમી પરવારી તેઓ સુઇ ગયાં હતાં, વ્હેલી સવારે જાગીને જોયું તો ઘરના દરવાજા ખુલ્લા હતા અને ઘરની અંદર મુકેલી તિજોરી, પેટી પલંગ ખુલ્લા હતાં. તેની અંદર મુકેલી તમામ ચીજ વસ્તુઓ વેરણ છેરણ પડી હતી. ઘરમાં તપાસ કરતાં દાગીના અને રોકડ રૂ.90 હજાર મળી કુલ રૂ.4.17 લાખની મત્તા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ શોધવા ચક્રોગતિમાન કર્યાં છે. આંકલાવમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે. આ અગાઉ પણ સોનીના વાહનમાં પંચર કરી તેની દાગીના ભરેલી બેગ ઉઠાતરીનો કિસ્સો પણ બન્યો હતો.