અમદાવાદ: ગુજરાતમાં (Gujarati) LRD ભરતીની પરીક્ષા (LRD Recruitment Exam) યોજવામાં આવી છે. તેમજ આ લેખિત પરીક્ષા પહેલા શારીરિક કસોટી થઇ ચુકી છે. વિદ્યાર્થીઓમાં લેખિત પરીક્ષાને લઇ ડરનો માહોલ છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી ભરતીની પરીક્ષામાં પેપર લીક (Paper leak) થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરની વાત કરીએ તો ગઈકાલે જ ધોરણ 10ની પરીક્ષામાં ચાલુ પરીક્ષાએ હિન્દીનું પેપર વાઈરલ થવાની ઘટના બની હતી. તેથી તમામ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખતા આ વખતે LRDની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત (Tight provisioning) કેન્દ્રો પર ગોઠવવામાં આવ્યો છે. તેમજ કડક નિયમો રાખવામાં આવ્યા છે. આજે રાજ્યભરના 7 જિલ્લાઓમાં 954 જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટી ઉત્તિર્ણ થયેલા 2.95 લાખ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાશે.
આ વર્ષે ભરતીની પરીક્ષામાં જીપીએસસીનો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે. જેમાં LRDની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ OMR શીટના કવરનું સીલ ખોલાશે. તમામ ભરતીમાં સૌપ્રથમ વાર એવુ થશે કે પેપર પૂરુ થયા બાદ પણ ઉમેદવારોને ક્લાસમાં જ બેસાડી રખાશે. સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરીથી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરી તેમની સહી લેવામાં આવશે. આ પહેલા વનરક્ષકની પરીક્ષામાં પેપર લીક થયાનો કિસ્સો સામે આવ્યો હતો. તેમાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાની જાણ થઇ હતી. તેથી LRDની પરીક્ષામાં આવો બનાવ ન બને તે માટે પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇનો હુકમ કરવામાં અવ્યો છે. તેમજ દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. એલઆરડીની લેખિત પરીક્ષામાં . 2.95 લાખ ઉમેદવારો પૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી.
LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. પહેલા પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન થશે અને તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં તેથી એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ-અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રાખી છે. પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે મૂકાશે.
તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ કરાશે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.