મલેકપુર : રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રી નિમિષાબેન સુથારએ સામાજિક, આર્થિક વિકાસ તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં આરોગ્યલક્ષી સેવાઓ દરિદ્રનારાયણ સુધી પહોંચાડવાનું સરકાર કામ કરી રહી હોવાનું કહ્યું હતું. તેમણે રાજયના નાગરિકોને ગંભીર પ્રકારના રોગોના કિસ્સાઓમાં પણ આરોગ્યલક્ષી સેવાઓ ઘરઆંગણે જ મળી રહેવાની સાથે ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકારની પ્રાથમિકતા હોવાની સાથે નેમ વ્યકત કરી હતી. ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત અત્યાધુનિક 11 ડાયાલિસીસ વિભાગના ઇ-લોકાર્પણ, રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી પ્રિવેન્ટિવ થેરાપીનો રાજયવ્યાપી અમલીકરણનો પ્રારંભ અને વૈશ્વિક યુવા તંબાકુ સર્વે-4 ફેકટશીટ ગુજરાત-19 પુસ્તિકાનું મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતેથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે મહીસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે ડાયાલિસીસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રી નિમિષાબેન સુથારએ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ડાયલિસીસ સેન્ટરનો પ્રારંભ થતાં જિલ્લાના ગરીબમાંથી ગરીબ વ્યકિત સહિત તમામ નાગરિકોને ડાયાલિસીસની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ થતાં વન સ્ટેટ-વન ડાયાલિસીસ, વન નેશન-વન ડાયાલિસીસની વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં રાજય પ્રથમ બન્યું છે.
લુણાવાડા ખાતે ડાયાલિસીસની સેવાઓ ઉપલબ્ધ થતાં નાગરિકોને ડાયાલિસીસ માટે ગોધરા, અમદાવાદ, વડોદરા કે નડિયાદ જવું પડતું હતું તેમાંથી હવે તેઓને મુકિત મળવાની સાથે નાગરિકોના નાણાં અને સમયની પણ બચત થશે. આ ઉપરાંત આગામી સમયમાં પંચમહાલ ખાતે નવીન મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નિરામય ગુજરાત સહિત રાજય સરકારની આરોગ્યલક્ષી સેવાઓની જાણકારી આપી રાજયમાંથી વર્ષ-2025 સુધીમાં ક્ષય રોગનું નેસ્તનાબૂદ કરવાની સરકારની નેમ વ્યકત કરી રાજય સરકારના ટી.બી. રોગને નેસ્તનાબૂદ કરવાના કાર્યમાં સહભાગી થવા જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબહેન ડામોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે. કે. પરમાર, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. જે. કે. પટેલ, કલેક્ટર ડો. મનિષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી કે. ડે. લાખાણી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારિયા, લુણાવાડા પાલિકા પ્રમુખ ભાવનાબહેન વિગેરે હાજર રહ્યાં હતાં.