SURAT

મોટાઉપાડે ઝીંગા તળાવ તોડવા ગયેલા ચોર્યાસીના મામલતદાર ગણતરીના કલાકોમાં ઢીલાઢસ પડી ગયા

સુરત: (Surat) રાજયની વડીઅદાલતનો મનાઇ હુકમ હોવા છતા બેફામ બનેલા ઝીંગા માફિયાઓ (Shrimp mafias) સુરત અને ભરૂચ જિલ્લામાં અધધ કહી શકાય તેટલી 23 લાખ કરોડ રૂપિયાની દરિયા કાંઠાની કિંમતી જમીન ઉપર કબજો કરીને ઝીંગા ફાર્મિગ (Farming) કરતા હોવાની મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ફરિયાદ કરાઇ છે.

સરકારી જમીન ઉપર કબજો કરી ગેરકાયદે ઝીંગા તળાવ શરુ કરનારાઓની ગેરકાયદે પ્રવૃતિ ઉપર હાઇકોર્ટે મનાઇ હુકમ ફરમાવ્યો હતો. વડીઅદાલતના હુકમ છતા સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાનાં ઉબેર ગામમાં ઝીંગા ફાર્મિગ કરાયું હતું. ચોર્યાસી મામલતદાર બી.પી.સકસેનાએ ગઇકાલે ઉબેર ગામનાં 75 તળાવોમાં લાગેલી સાધનસામગ્રીનો જથ્થો કબ્જે કર્યો હતો. મામલતદારે તળાવોમાં ઝીંગા ઉછેરની પ્રવૃતિ રોકાવી દીધી હતી.

આ મુદ્દે કોંગ્રેસનાં ધારાસભ્ય આનંદ ચૌધરીએ વિધાનસભામાં ઝીંગા તળાવનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેમાં તેઓને એવી માહિતી આપવામાં આવી હતી કે ઝીંગા તળાવો ભરૂચ જિલ્લામાં આવેલા છે, જેની સામે આજે દર્શન નાયક દ્વારા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને લેખીતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, ગેરકાયદે ઝીંગા તળાવ સામે સુરત જિલ્લાના વહીવટી તંત્રમાં વારંવાર લેખિત તથા મૌખિક ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂત આગેવાનો, ખેડૂતો, NGO તથા જાગૃત નાગરિકો દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ પણ કરવામાં આવ્યો છે.

રજૂઆતમાં દર્શન નાયકે જણાવ્યું હતું કે, સુરત અને ભરૂચ જિલ્લામાં આશરે ૨૩,૦૦,૦૦૦ લાખ કરોડનું મૂલ્ય ધરાવતી સરકારી જમીનો પર ભૂમાફિયાઓએ, ગેરકાયદેસર કબજો કરી દબાણ ઉભુ કર્યું છે. છેલ્લા 10-15 વર્ષથી ઝીંગા માફિયાઓ ગેરકાયદે તળાવ બનાવીને ઝીંગા ફાર્મિગ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૦ ચોરસ મીટરના ગ્રામ્ય વિસ્તારના ૩,૦૦૦ હેક્ટરના ગણતાં ૬૦,૦૦૦ કરોડ અને રૂ ૧૦,૦૦૦ ચોરસ મીટર સુરતના ચોર્યાસી તાલુકાના શહેરી વિસ્તાર લેખે ૨૦૦૦ હેક્ટર માટે ગણતાં ૨૦ લાખ કરોડ એમ કૂલ ૨૩,૦૦,૦૦૦ કરોડ રૂપિયાનું કુલ મૂલ્ય ધરાવતી સરકારી જમીન પરના દબાણ હોવાનો અંદાજ છે.

ઉંબેળના ઝીંગા તળાવોનું ડિમોલીશન અટકી પડયું
સુરત જિલ્લામાં ગઇકાલથી શરુ થયેલા ઝીંગા તળાવો તોડવાના ઓપરેશનમાં બીજા દિવસે પંચર પડી ગયુ છે. સુરત જિલ્લાના ચોર્યીસ તાલુકાના મામલતદાર બી.પી.સકશેના પહેલા દિવસે મોટાઉપાડે ઝીંગા તળાવોનો સફાયો બોલાવવા ઉંબેર પહોચી ગયા હતા. શરુઆતમાં ઝીંગા તળાવો તોડવા માટે સૂરા બનેલા મામલતદાર બી.પી.સકશેના ગણતરીના કલાકોમાં ઢીલાઢશ પડી ગયા છે. આ વાત આજે દિવસ દરમિયાન ભારે ચચા જગાવી હતી. કારણ કે ઝીંગા તળાવો સફાયો કરવો એ ખુદ પ્રશાશન માટે પણ મોટો પડકાર છે. સુરત જિ્લલામાં કેટલાંય કલેકટર આવીને ગયા પરંતુ હજી સુધી એકેય કલેકટર સરકારી જમીનને ગેરકાયદે ઝીંગા તળાવોથી મુકત કરાવી શકયા નથી. આજે ઉંબેરમાં ઝીંગા તળાવો તોડવાનું અટકાવી દેવાયુ છે. કેમ કે એક તળાવ ઉપર ઓપરેશન પાર પાડતા આખો દિવસ નીકળી જાય છે. જેને લઇને ચોર્યાસી મામલતદાર કચેરીએ આ કામ પડતુ મૂકી દીધુ છે. હવે સરકારી અન્ય કામો પેન્ડિગં રહેતા હોવાના બહાના કાઢી ઉંબેરમાં ઝીંગા તળાવો દૂર કરવામાં પીછેહઠ કરી છે.

ઇચ્છાપોર ભાઠા અને હજીરાપટ્ટીમાં ગેરકાયદે ઝીંગા તળાવોનું સામ્રાજય
સુરત શહેરના ઓલપાડ સહિત ચોર્યાસી તાલુકામાં ગેરકાયદે ઝીંગા તળાવો વધી ગયા છે. અત્યાર લગી ગેરકાયદે ઝીંગા તળાવો સુરતના અમુક વિસ્તાર પૂરતા મયાર્દિત હતા. પરંતુ હવે ઝીંગા તળાવોનું હદ વિસ્તરણ થઇ ગયુ છે. સુરતને અડીને આવેલા ઇચ્છાપોર ભાંઠા અને હજીરા વિસ્તારમાં પણ સ્થાનિક ભાજપી નેતાઓએ ગેરકાયદે ઝીંગા તળાવો ટેકો આપ્યો છે. તેમની અમીનજર હેઠળ આ વિસ્તારમાં ગેરકાયદે ઝીંગા તળાવો ફુલીફાલી રહયા છે.આગામી દિવસોમાં જિલ્લા કલકેટર આ વિસ્તારમાં પણ સવેર્ કરાવી ડિમોલીશન અભિયાન હાથ ધરશે.

Most Popular

To Top